Ahmedabad: વકફ બિલ માટેની JPC બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી

વકફ સંશોધન બિલ ભાજપ સરકારની રાજનીતિ, મુસ્લિમો તેનો વિરોધ કરશે: ઈમરાન ખેડાવાલા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Sep 2024 11:30 PM (IST)Updated: Fri, 27 Sep 2024 11:30 PM (IST)
ahmedabad-news-jpc-meeting-on-waqf-board-amendment-bill-asaduddin-owaisi-and-harsh-sanghavi-present

Ahmedabad: વકફ સંશોધન બિલ પર સૂચનો માંગવા માટે બનાવવામાં આવેલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. જ્યાં ગુજરાત વકફ બોર્ડ અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ માટે JPCના સભ્ય અમદાવાદની તાજ સ્કાયલાઈન હોટલ પહોંચ્યા હતા બેઠક મળી હતી. જેમાં અલગ-અલગ પાર્ટીના નેતાઓ અને અધિકારીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં કમિટીએ વકફ બોર્ડના સંશોધન બિલ પર પ્રેઝન્ટેશન પણ આપ્યું હતુ. આ દરમિયાન સમિતિના સભ્ય અને AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ચકમક ઝરી હતી. હકીકતમાં ઓવૈસી દ્વારા સુરત મહાનગર પાલિકાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સમયે હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, JPC સમક્ષ દરેક નાગરિકના હિતમાં સુધારા સબંધિત સૂચનો રજૂ કરવામાં આવ્યા છે. મેં માત્ર જનતાના કલ્યાણ સબંધિત મુદ્દાને રાખવાનું મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે. આ સૂચનો વિશે પૂરી વિગતો JPCના નિયમો અનુસાર મીડિયાને જણાવવામાં આવશે.

આ બેઠકમાં અમદાવાદની ખાડિયા વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ બિલને લઈને 14 સૂચનો રજૂ કર્યા હતા. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, વકફ બોર્ડ સંશોધન બિલ ભાજપ સરકારની રાજનીતિ છે અને મુસ્લિમ સમાજ આ કાયદાનો વિરોધ કરશે.

જણાવી દઈએ કે, વકફ નિયમોમાં સુધારા માટે 8 ઓગસ્ટ, 2024ના રોજ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતુ. જો કે કેટલાક વિપક્ષના નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો કે, આ બિલ ચર્ચા વિના જ રજૂ કરી દેવામાં આવ્યું છે. આખરે આ બિલને લઈને 31 સાંસદોની જૉઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી (JPC) બનાવવામાં આવી છે. આ સંદર્ભે JPCએ ગઈકાલે મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી.