Gujarat Rain: ગુજરાતના 189 તાલુકા વરસાદથી તરબોળ, ઉમરપાડામાં 4 ઈંચથી વધુ ખાબક્યો, બેચરાજીમાં 2 કલાકમાં દોઢ ઈંચ પાણી પડ્યું

46 તાલુકામાં 1 ઈંચથી વધુ, 17 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Sep 2024 10:20 PM (IST)Updated: Fri, 27 Sep 2024 10:20 PM (IST)
gujarat-rain-update-today-189-taluka-get-rain-across-the-state-till-8-pm-on-27th-sept

Gujarat Rain: ચોમાસાની વિદાય વેળા છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા ફરીથી ગુજરાતમાં બઘડાટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ગુજરાત માટે ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. એવામાં આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

આજે સૌથી વધુ 106 મિ.મી (4.17 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ખાબક્યો છે. આ સિવાય નર્મદાના સાગબારામાં 97 મિ.મી (3.82 ઈંચ), જૂનાગઢમાં 92 મિ.મી (3.62 ઈંચ), રાજકોટના ધોરાજીમાં 89 મિ.મી (3.50 ઈંચ), જૂનાગઢના માણાવદરમાં 77 મિ.મી (3.03 ઈંચ), બનાસકાંઠાના દાંતામાં 68 મિ.મી (2.68 ઈંચ), સાબરકાંઠાના વડાલીમાં 67 મિ.મી (2.64 ઈંચ), રાજકોટના ઉપલેટામાં 66 મિ.મી (2.60 ઈંચ), જૂનાગઢના માંગરોળમાં 54 મિ.મી (2.13 ઈંચ) મહેસાણાના સતલાસણામાં 53 મિ.મી (2.09 ઈંચ) વરસાદ નોંધાયો છે.

સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના ઉમરપાડામાં 53 મિ.મી (2.09 ઈંચ), જૂનાગઢના માંગરોળમાં 49 મિ.મી (1.93 ઈંચ), નવસારીના ગણદેવીમાં 49 મિ.મી (1.93 ઈંચ), મહેસાણાના બેચરાજીમાં 40 મિ.મી (1.57 ઈંચ),પાટણમાં 37 મિ.મી (1.46 ઈંચ), કડીમાં 28 મિ.મી (1.10 ઈંચ) વરસાદ વરસ્યો છે.

આજે આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં 20 મિ.મી.ના હળવા ઝાપટા વરસ્યા છે. જ્યારે રાજ્યની વાત કરીઓ તો, 46 તાલુકામાં 1 ઈંચથી વધુ, 17 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 6 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે 5 ઓક્ટોબર સુધીમાં ચોમાસું પાછું ફરતું હોય છે. જો કે રાજસ્થાનમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયમાં વિલંબ થવાના કારણે આ વર્ષે ચોમાસું 10 થી 12 ઓક્ટોબર દરમિયાન પાછું વળવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ગોવા, સિક્કિમ , ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.