સરદાર સાહેબ સાથે સતત અન્યાય કરવામાં આવ્યો, તેમનું અપમાન કરવામાં કોંગ્રેસે કોઈ કસર છોડી નથી: જગદીશ વિશ્વકર્મા

આઝાદી બાદ દેશના 565 રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માણ કરવાનું કાર્ય આપણા ગુજરાતની ધરતીના પુત્ર સરદાર સાહેબે કર્યું હતું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Nov 2025 08:50 PM (IST)Updated: Sun, 09 Nov 2025 08:50 PM (IST)
ahmedabad-news-jagdish-vishwakarma-attack-on-congress-over-sardar-patel
HIGHLIGHTS
  • સરદાર જયંતી નિમિત્તે 8 નવેમ્બરથી રાષ્ટ્રવ્યાપી પદયાત્રા

Ahmedabad: ગત 8 નવેમ્બરથી ગુજરાતના જૂનાગઢ ખાતેથી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી પદયાત્રા શરૂ કરવામાં આવી છે. જેને લઈને અમદાવાદ ખાતે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સરદાર@150 યુનિટી માર્ચની વિગતો આપી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, કોંગ્રેસે સરદાર સાહેબ સાથે સતત અન્યાય કર્યો, તેમને ભૂલી જવામાં અને તેમનું અપમાન કરવામાં કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. કોંગ્રેસને સરદાર પટેલને ભારત રત્ન આપવામાં 41 વર્ષ લાગ્યા અને છેક 1991માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો.

સરદાર વલ્લભભાઈ પટેલે ફક્ત દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે જ નહીં, પરંતુ આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહોનું સફળ નેતૃત્વ કર્યું હતું. આજે દેશના 140 કરોડ નાગરિકોને ગૌરવ થાય છે કે, આઝાદી બાદ દેશના 565 રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માણ કરવાનું કાર્ય આપણા ગુજરાતની ધરતીના પુત્ર સરદાર સાહેબે કર્યું હતું. સરદાર સાહેબ માટે વિવિધ પુસ્તકોમાં લખાયું છે કે, તેઓ વર્તનમાં વાસ્તવિકતા ધરાવતા, સંકલ્પમાં સત્યવાદી, કાર્યમાં માનવતાવાદી, ધ્યેયમાં રાષ્ટ્રવાદી પુરુષ હતાં.

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે તેઓના સ્મરણ સાથે નવી પેઢી તેમણે દેશ માટે કરેલા અમૂલ્ય કાર્યો અને જીવનમૂલ્યોથી વધારે જાગૃત અને પ્રેરિત થાય અને સમગ્ર દેશમાં એકતાનો સંદેશ પંહોચે તે હેતુથી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ભાજપ દ્વારા દેશની તમામ લોકસભામાં ત્રણ ‘સરદાર@150‘ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે, પણ ગુજરાતમાં તેના કરતાં આગળ વધી વિધાનસભા સ્તરે તમામ 182 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રાનો બીજો ભાગ સંવિધાન દિવસ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન કરમસદ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાશે. અંદાજિત 152 કિમી ની આ 11 દિવસની પદયાત્રામા ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી પણ વિવિધ જિલ્લાઓ માથી દરરોજ 400 થી 500 યુવાનો જોડાશે. આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય સંગઠનને પણ આમંત્રિત કરાશે. સાદગી અને સ્વચ્છતા સાથે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવશે અને દિવ્ય કાર્યક્રમ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે.