Crime News: તમિલનાડુના કૃષ્ણગિરીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 25 વર્ષીય યુવતીએ લેસ્બિયન પાર્ટનર ખાતર પોતાના જ પાંચ મહિનાના પુત્રની ઠંડા કલેજે હત્યા કરી નાંખી છે. હાલ તો પોલીસે આ મામલે બાળકની માતા અને તેની સમલૈગિંક પાર્ટનર યુવતીની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ક્રિષ્ણગિરી જિલ્લાના ચિન્નાટી ગામમાં રહેતી ભારતી (25)ને સંતાનમાં 5 વર્ષ અને 3 વર્ષની બે બાળકી છે. જ્યારે આજથી 5 મહિના પહેલા જ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારે ભારતીનો પતિ સુરેશ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ પણ વાંચો
ગત 5 નવેમ્બરે સુરેશ કામ પર હતો, ત્યારે તેને જાણ કરવામાં આવી કે તેમનો 5 માસનો પુત્ર ધ્રુવ અચાનક બેભાન થઈ ગયો છે. આથી તાત્કાલિક ધ્રુવને કેલામંગલમ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને પુત્રને મૃત જાહેર કર્યો હતો. આથી તેમણે પુત્રના અંતિમ સંસ્કાર પણ કરી નાંખ્યા હતા.
જો કે પુત્રના મોત બાદ પતિ સુરેશને પત્નીની હીલચાર શંકાસ્પદ જણાઈ હતી. આથી તેણે ભારતીનો ફોન ચેક કર્યો હતો. જેમાં પત્ની ભારતી અને સુમિત્રા નામની યુવતી વચ્ચે થયેલી ચેટ્સ અને વૉઈસ મેસેજ મળી આવ્યા હતા. આથી પતિએ તાત્કાલિક કેલામંગલમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આથી પોલીસે ભારતી અને સુમિત્રાને પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતા બન્ને જણા ભાંગી પડ્યા હતા અને ધ્રુવની હત્યાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, બન્ને વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી સમલૈગિંક સબંધો છે. જો કે 5 મહિના પહેલા પુત્રનો જન્મ થતાં બન્નેની મુલાકાતો ઓછી થઈ ગઈ હતી. 5 માસનો માસૂમ ધ્રુવ બન્નેના સબંધોની વચ્ચે આવતો હોવાથી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
હાલ તો પોલીસે મૃત બાળકના પિતા સુરેશની ફરિયાદના આધારે ગુનો નોંધીને પત્ની ભારતી અને તેને સહેલી સુમિત્રા વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે.
