Ahmedabad: મણિનગરમાં યુવકે પત્નીના ત્રાસથી ટ્રેન હેઠળ પડતું મૂક્યું, આપઘાત પૂર્વે આપવીતી વર્ણવતો વીડિયો અપલોડ કર્યો

અંતિમ વીડિયોમાં ભીની આંખે યુવકનું દર્દ છલકાયું- 'મારી લાશ કચરામાં ફેંકી દેજો, પણ એના હાથમાં ના આવવા દેતા. હવે હું કંટાળી ગયો છું, મારમાં સહનશક્તિ નથી રહી'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Jul 2025 11:10 PM (IST)Updated: Wed, 16 Jul 2025 11:10 PM (IST)
ahmedabad-news-husband-commit-suicide-by-jumt-into-front-of-train-near-maninagar-railway-crossing
HIGHLIGHTS
  • મણિનગર રેલવે ક્રોસિંગ નજીક સવારના સમયનો બનાવ
  • બેંગ્લુરુના અતુલ સુભાષ જેવી ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું
  • બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

Ahmedabad: આજથી સાતેક મહિના પહેલા બેંગ્લુરુના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ નામના યુવકે પત્નીના ત્રાસથી 24 પાનાની સ્યુસાઈડ નોટ અને 1 કલાકનો વીડિયો બનાવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવે સમગ્ર દેશમાં ચકચાર મચાવી મૂકી હતી. જે બાદ પત્ની પીડિત પુરુષોના સંગઠનો પણ મેદાનમાં આવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યાં હતા. આમ છતાં છાશવારે દેશમાં આવા બનાવો સામે આવતા જ રહે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવકે પત્નીના ત્રાસથી આપઘાત કરતાં પૂર્વે એક કલાકનો વીડિયો બનાવીને પોતાની વ્યથા ઠાલવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે સવારના સમયે મનિષ ગોરડીયા નામના એક યુવકે ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં પોલીસ તેમજ મૃતક યુવકના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે પંચનામું કરીને મનિષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મનિષે આપઘાત કરતાં પહેલા 20 મિનિટનો એક વીડિયો બનાવીને તેમા પોતાની આપવીતી વર્ણવી હતી. આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો.

પોતાના અંતિમ વીડિયો મનિષે પત્ની પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે,

મને ઝૂકાવવાના ઘણાં પ્રયાસ કર્યાં, પરંતુ હું ઝૂકીશ નહીં. હું જે કંઈ કરીશ, તે મારી મરજીથી કરીશ. હવે હું કંટાળી ગયો છું. મારામાં સહનશક્તિ નથી રહી. મારા ગયા બાદ રોદણા રોવા નહીં. મારા માટે કોઈએ સ્ટેટસ નહી મૂકવાનું. ખોટા નાટક કરવાની જરૂર નથી. હું મરી જાવ, તો મારી લાશ ઘર સુધી ના પહોંચવા દેતા. કચરામાં ફેંકી દેજો, પણ એના હાથમાં ના આવવા દેતા. મારા ઘરવાળાને પૈસાની જ જરૂર છે, મારી નહીં. મારા ગયા પછી મારી બે છોકરીઓનું ધ્યાન રાખજો.

હાલ તો મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. હવે વીડિયોના આધારે મૃતક મનિષના માતા-પિતાના નિવેદન નોંધવામાં આવશે, જો તેઓ પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે, તો આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.