Junagadh: ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા છે, ત્યારે લાંબા સમયથી રાજકીય ક્ષેત્રે ઓછી સક્રિયતા દાખવતા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા હર્ષદ રીબડીયા હવે ફરીથી સક્રિય થયા છે. તેમણે વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓની દુર્દશા અંગે માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
ચૂંટણી પૂરી થયા પછી ગોપાલ ઇટાલિયા એક બાજુ લોકોના પ્રશ્નોને લઈને વિવિધ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ફરી સક્રિય થઈને બોલવાનું શરૂ કર્યું છે.
પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તાર રોડ-રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં છે. વધારે વરસાદ પડવાને કારણે તેમાં મોટા ખાડા પડી ગયા છે, જેના પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આથી માર્ગ મકાન પંચાયત વિભાગનો ડામર પ્લાન્ટ તાત્કાલિક ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત રોલર સાથે મજબૂત પેચ વર્ક કરીને તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર કરવામાં આવે.
અત્યારે ચોમાસાની સિઝન ચાલતી હોવાથી વિવિધ એજન્સીઓના રોલરો ફ્રી પડ્યા હોય છે. આથી જે-તે એજન્સીઓને આદેશ આપી તેના રોલરોની મદદથી પેચ વર્કનું કામ કરવામાં આવે.
