Ahmedabad: આજથી પંદરેક દિવસ અગાઉ હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં 4 માસની બાળકી પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારનાર રોટ વિલર બ્રીડના પેટ ડૉગનું જીવલેણ બીમારીથી મોત થયું છે.
હકીકતમાં ગત 13 મેના રોજ હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં રહેતી સગીરા ચાર માસની ઋષિકા નામની બાળકીને લઈને કૉમન પ્લોટમાં રમાડવા માટે લઈને આવી હતી. આ સમયે સોસાયટીમાં રહેનાર દિલીપ પટેલની પુત્રવધુ પોતાના પાલતુ શ્વાન રોકીને લઈને ફરવા નીકળી હતી. જ્યાં રૉકીએ પાળી પર બેઠેલી સગીરા અને તેના ખોળામાં રહેલી ઋષિકા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બાળકી નીચે પડતાં રૉકીએ બચકું ભરીને તેની ખોપરી ફાડી નાંખી હતી. આ ઘટના બાદ માલિકે પોતાના શ્વાનને મેમનગરમાં છૂપાવ્યો હતો.
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની CNCD વિભાગની ટીમે મેમનગર જઈને રૉકીનો કબજો મેળવ્યો હતો. જે બાદ તેના બલ્ડ સેમ્પલ લઈને તેને સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો.
આ દરમિયાન ગત 19 મેના રોજ ડૉગને ટીક ફીવર થયું હતુ. જેથી તેને એમ્બ્યુલન્સ મારફતે પ્રાણીઓની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતુ. જ્યાં તેના બ્લડ સેમ્પ લઈને ટેસ્ટિંગ કરવામાં આવતા તેને બેબેસીયોસિસ નામનો જીવલેણ રોગ હોવાનું નિદાન થયું હતુ.
એક અઠવાડિયા સુધીની સઘન સારવારના અંતે ગઈ કાલે મોડી રાતે રોટવિલર ડોગ મોતને ભેટ્યો હતો. આખરે ગ્યાસપુર ખાતે ખાડો ખોદીને તેમાં મીઠું નાંખીને રોકીને દફનાવીને તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
