Ahmedabad: લૉ ગાર્ડનના બગીચામાં રમતી બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે કિડનેપર યુવતીને પકડી

CCTV ફૂટેજમાં એક યુવતી બાળકીને તેડીને રિક્ષામાં બેસતી દેખાતા પોલીસને પગેરું મળ્યું. અપહ્યત બાળકી માતાને સોંપાતા પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવુંક દ્રશ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 May 2025 07:13 PM (IST)Updated: Wed, 28 May 2025 07:21 PM (IST)
ahmedabad-news-crime-branch-held-girl-in-kidnap-4-years-child-kidnap-case
HIGHLIGHTS
  • 4 વર્ષની બાળકીની ઓળખ છૂપાવવા તેના વાળ પણ કાપી નાંખ્યા

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં આજથી ચારેક દિવસ પહેલા શહેરના નવરંગપુરા વિસ્તારના લૉ ગાર્ડનના બગીચામાં રમી રહેલી બાળકીના અપહરણનો ગુનો ઉકેલીને આરોપી યુવતીને ઝડપી પાડી છે.

હકીકતમાં મૂળ ગોધરાના વતની આરતી મારવાડી અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં પાણીની બોટલ વેચવાનું કામ કરે છે. ગત શનિવારે આરતી પોતાની 4 વર્ષની દીકરી વેદિકાને લઈને પાણીની બોટલો વેચવા આવ્યા હતા. જ્યાં સાંજના સાડા 5 વાગ્યાની આસપાસ વેદિકા અન્ય બાળકો સાથે લો ગાર્ડનના બગીચામાં રમવા માટે ગઈ હતી, જ્યાંથી તે ગુમ થઈ ગઈ હતી.

વેદિકાની શોધખોળ છતાં કોઈ ભાળ ના મળતા માતા આરતી ભીલે નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. જ્યારે ગુનાની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ ચકાસતા એક યુવતી વેદિકાને તેડીને રિક્ષામાં બેસીને જતી જોવા મળી હતી.

આ ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી યુવતીને ઝડપી પાડીને તેની ચુંગાલમાંથી વેદિકાને છોડાવી હતી. કિડનેપર યુવતીએ બાળકીની ઓળખ ના થાય તે માટે તેના વાળ પણ કાપી નાંખ્યા હતા. જે બાદ પોલીસની ટીમે બાળકીને તેના માતાને સોંપતા પોલીસ સ્ટેશનમાં ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો યુવતીએ ક્યા કારણોસર બાળકીનું અપહરણ કર્યું અને તેણે કોની મદદ લીધી? તે દિશામાં પોલીસે પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.