Gujarat Local Body Polls 2026: ચા-કૉફીના રૂ. 10 અને રૂ.63માં નાસ્તો, ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા અને ભાવની યાદી જાહેર

મનપા ચૂંટણી લડતો ઉમેદવાર 9 લાખ સુધીનો જ ખર્ચ કરી શકશે. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવાર 6 લાખ અને તાલુકા પંચાયતના ઉમેદવાર 3 લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Apr 2026 04:53 PM (IST)Updated: Tue, 07 Apr 2026 04:54 PM (IST)
ahmedabad-news-gujarat-local-body-polls-2026-spending-limits-announced-for-candidates
HIGHLIGHTS
  • ચૂંટણી પંચે પ્રચાર સામગ્રીનું સંપૂર્ણ લિસ્ટ જાહેર કર્યું
  • ઉમેદવારે ખર્ચનો હિસાબ આપવાનો રહેશે

Gujarat Local Body Polls 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. એવામાં ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડતાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા ચા-કૉફી, નાસ્તો, મંડપ ડેકોરેશન, ઢોલી, ફ્યૂઅલ ચાર્જ સહિતના અલગ-અલગ ખર્ચનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના આધારે ઉમેદવાર દ્વારા પોતાના પ્રચાર દરમિયાન કરવામાં આવતા ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.

મનપાની ચૂંટણી માટે 9 લાખ અને પંચાયતની ચૂંટણી માટે 6 લાખની મર્યાદા નક્કી કરાઈ

ચૂંટણી પંચના આદેશ અનુસાર, મહાનગર પાલિકાની ચૂંટણી લડતો ઉમેદવાર રૂ. 9 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. આ સિવાય જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવાર માટે 6 લાખ તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવાર માટે 3 લાખ રૂપિયા સુધીના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા વિવિધ ખર્ચાઓ માટેના ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ખર્ચની વિગતોને જોઈએ તો, કાર્યકર્તાઓ અને સભાઓ માટે ચા-કૉફી અને દૂધના ગ્લાો ભાવ 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે નાસ્તા માટે 63 રૂપિયા ખર્ચી શકશે. જેમાં સમોસા, કચોરી, ચીઝ ગ્રીલ સેન્ડવીચ, દહીંવડા, બટાટા-પૌઆ અને સેવખમણી જેવી વાનગીઓ માટે 50 રૂપિયા રાખવામાં આવ્યા છે. ભોજનની વાત કરીએ તો, સાંજનું ભોજન 100 રૂપિયા અને વેજિટેબલ થાળી 110 રૂપિયાના ભાવે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આઈસ્ક્રીમ અને કોલ્ડ્રિંક્સનો ભાવ 20 થી 30 રૂપિયાની વચ્ચે રહેશે.

આવી જ રીતે ચૂંટણીની જાહેરસભાના આયોજન માટે મંડપનો ભાવ રૂ. 2 પ્રતિ ચોરસ ફૂટ (એક દિવસ માટે) અને બેરીકેટીંગનો ભાવ રૂ 10 પ્રતિ ચોરસ ફૂટ (બે દિવસ માટે) નક્કી થયો છે. અન્ય સુવિધાઓમાં પ્લાસ્ટિક ખુરશીના રૂ. 10, ટેબલના રૂ. 150 અને ગાદલા-ચાદર-ઓશિકાના સેટના રૂ 30 લેખે ખર્ચ ગણાશે. સ્વચ્છતા માટે ડસ્ટબીન દીઠ રૂ 30 અને ગ્લાસ ટોપવાળી લાકડાની ટીપોઈ માટે રૂ. 140 નક્કી કરાયા છે.

ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે ઢોલ-નગારા માટે રૂ. 1000, કેશિયો પાર્ટી માટે રૂ. 2000 અને વાહન સાથેની ડી.જે. પાર્ટી માટે રૂ. 1000નો ખર્ચ નિર્ધારિત છે. પ્રચાર સામગ્રીમાં 500 નંગ ચોપાનિયાના રૂ 250, ફટાકડાના બોક્સના રૂ. 1500, ટોપીના રૂ 30 થી 50, મફલરના રૂ. 50 થી 75 અને શાલના 80 થી 200 રૂપિયા રહેશે. જ્યારે વાહનોના ઈંધણ પેટે સ્કૂટર માટે રૂ 2 થી 3 અને કાર માટે રૂ. 5 થી 6 પ્રતિ કિમી ગણવામાં આવશે.