Ahmedabad: ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જે અંતર્ગત અંબાજી મંદિરમાં આઠમે માતાજીની પૂજા હવેથી કોઈ પણ ભક્ત કરી શકશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવરાત્રિમાં આઠમની પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર માત્ર દાંતાના મહારાજા અને તેમના વંશજોને જ આપવામાં આવતો હતો. આ મામલે રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી.
જેમાં દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, આઠમે માતાજીના હવન અને આરતી કરવા તેમનો પ્રથમ હક છે. રાજાશાહીના સમયથી આ પરંપરા ચાલતી આવી છે. આથી આ તેમનો કાનૂની અને ધાર્મિક અધિકાર છે. આખરે દાયકા સુધી કાનૂની લડતના અંતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, રાજાશાહી સમયના હક હાલ લોકશાહી શાસન વ્યવસ્થામાં યથાવત ના રાખી શકાય. જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુઓ સમાન છે. આથી પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી બંધારણીય રીતે અયોગ્ય છે. હવે અંબાજી મંદિરમાં પૂજાનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકશે.
હાઈકોર્ટના આ ચુકાદાને અંબાજી મંદિરના ઈતિહાસમાં ખૂબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. હકીકતમાં અત્યાર સુધી અંબાજીમાં આઠમની પલ્લી અને હવન-પૂજા વખતે રાજવી પરિવારનો વિશેષ અધિકાર ગણવામાં આવતો હતો. જો કે હવે હાઈકોર્ટના ચુકાદા પછી અંબાજી મંદિર ટ્રસ્ટ પોતાની રીતે તમામ માઈભક્તો માટે વ્યવસ્થા કરી શકશે. હાઇકોર્ટના આ નિર્ણય પછી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
