Ahmedabad: લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર 'કમળ' ખીલવવા ભાજપની રણનીતિ, વરિષ્ઠ નેતાઓને સોંપી મહત્ત્વની જવાબદારી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jan 2024 10:10 PM (IST)Updated: Tue, 02 Jan 2024 10:10 PM (IST)
ahmedabad-news-gujarat-bjp-strategy-for-upcoming-loksabha-election

Ahmedabad: ગત મહિને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષને પછડાટ આપીને ભાજપે સ્પષ્ટ બહુમત હાંસલ કરીને સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. જે બાદ હવે ભાજપની નજર આગામી દિવસોમાં આવનાર લોકસભા ચૂંટણી પર છે. આ ચૂંટણીમાં પણ ભાજપ સ્પષ્ટ બહુમતીથી ફરીથી મોદી સરકાર રચવા કમર કસી રહ્યું છે. એવામાં આ વખતની લોકસભા ચૂંટણીમાં ફરીથી ગુજરાતની તમામ 26 બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપે રણનીતિ ઘડી નાંખી છે. જે અંતર્ગત પાર્ટીએ પૂર્વ મંત્રીઓ તેમજ સીનિયર નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી સોંપી છે.

હકીકતમાં ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે લોકસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક મળી હતી. જેમાં અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતની 26 લોકસભા બેઠક માટે અલગ-અલગ નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં તમામ બેઠકો માટે 3-3 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે.

ક્યા નેતાને ક્યા ક્લસ્ટરની જવાબદારી સોંપવામાં આવી?
પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલીની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુને રાજકોટ, જામનગર અને પોરબંદર તેમજ સાંસદ નરહરિ અમીનને ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદની જવાબદારી સોંપવામાં આવી છે.

આવી જ રીતે અમિત ઠાકરને બનાસકાંઠા, પાટણ અને કચ્છ, બાબુભાઈ જેબલિયાને સુરેન્દ્રનગર, મહેસાણા અને બનાસકાંઠા, કે.સી. પટેલને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક જ્યારે જ્યોતિબેન પંડ્યાને સુરત, નવસારી, વલસાડ અને બારડોલી બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.