Ahmedabad: નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે, ત્યારે ગરબાની ધૂમ વચ્ચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગની ટીમ સક્રિય થઈ છે. GST વિભાગ દ્વારા ગુજરાત અને અમદાવાદ શહેરના ગરબા આયોજકોના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં પાસના વેચાણમાં ગેરરીતિ આચરીને ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાની શંકાને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, GST વિભાગના 10 અધિકારીઓની ટીમ દ્વારા સુરત અને અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી, પૂર્વા મંત્રી જેવા જાણીતા કલાકારોના આયોજિત ગરબાઓમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ક્યા-ક્યા ગરબા આયોજકોના ત્યાં દરોડા
GST વિભાગની ટીમ દ્વારા અમદાવાદ અને સુરતમાં 8 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં આદિત્ય ગઢવી (રંગમોરલો) જીગરદાન ગઢવી (સ્વર્ણિમ નગરી ગરબા), પૂર્વા મંત્રી (સુવર્ણ નવરાત્રિ) તેમજ ઉમેશ બારોડ (સુવર્ણ નવરાત્રિ-સુરત)ના આયોજકોના ઠેકાણે રેડ પાડીને પાસ અને ટિકિટના વેચાણ તેમજ અન્ય નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
એવું કહેવાય છે કે, મોટા કલાકારોના ગરબા આયોજકો દ્વારા પાસ પર દર્શાવવામાં આવેલી કિંમત કરતાં વધારે પૈસા પડાવવામાં આવી રહ્યા હતા. ખાસ કરીને વીકએન્ડના દિવસોમાં 2 હજારની કિંમતના પાસ દોઢથી બે ગણી કિંમતે વેચાયા હતા. આમ ખેલૈયાઓ પાસેથી પાસ અને ટિકિટ પર દર્શાવેલી કિંમત કરતાં વધારે પૈસા વસૂલીને ગેરરીતિ આચરવામાં આવી હોવાની બાતમી મળતા GST વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નવરાત્રિના છેલ્લા દિવસોમાં GST વિભાગ દ્વારા છાપો મારવામાં આવતા નાના-મોટા અનેક આયોજકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ તો GST વિભાગની ટીમ દ્વારા હાલ તો હિસાબની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ પૂર્ણ થયાં બાદ ટેક્સ ચોરીનો સાચો આંકડો સામે આવે તેવી શક્યતા છે.
