Entertainment News , TMKOC VIDEO: સોની સબ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 17 વર્ષથી પોતાની હળવી શૈલીની કૉમેડીના કારણે દર્શકોની પહેલી પસંદગી રહ્યો છે. આ સીરિયલમાં દયા ગડ્ડાની ભૂમિકા ભજવતી દિશા વાકાણીએ ભલે શૉ છોડી દીધો હોય, પરંતુ આજે પણ દર્શકો તેને જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આટલું જ નહીં, સમયાંતરે દિશા વાકાણી દયાના પાત્રમાં પરત ફરશે, તેવી વાતો પણ વહેતી થતી રહે છે. એવામાં દયાના પતિની ભૂમિકા ભજવતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પણ તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે.
હકીકતમાં દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ નવરાત્રિના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જેઠાલાલને જોઈને લોકો બબીતા-બબીતાની બૂમો પાડવા લાગ્યા હતા. જ્યારે સ્ટેજ પર ઉપસ્થિત દિલીપ જોશીને તેમના ફેવરિટ દાંડિયા પાર્ટનર વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો તેમણે એકપળનો વિચાર કર્યાં વિના જવાબ આપતા દયાનું નામ જણાવ્યું હતુ.
આ પણ વાંચો
વધુમાં દિલીપ જોશીએ જણાવ્યું કે, ગરબાની વાત આવે તો એક થી દસ નંબર સુધી એકમાત્ર દયા જ આવે. ગરબામાં દયાની સ્પર્ધા કોણ કરી શકે? આ સાથે જ જેઠાલાલે 'ઢોલીડા ઢોલ ધીમો-ધીમો વગાડ' ગીત પર પોતાના સિગ્નેચર સ્ટેપ કરતાં જ ગરબે ઘૂમવા આવેલા ખેલૈયાઓએ ચિચિયારીઓ પાડીને તેમને વધાવી લીધા હતા.
દિલીપ જોશીએ જણાવ્યું કે, પદ્માવતી ભોજનાલયનું જમીને મારું વજન વધી ગયું છે. મને સમજાતું જ નથી કે, સુંદરે એવું શું કર્યું છે કે, તે દયાને પાછી આવવા જ નથી દેતો. હવે મારું એક કામ કરો. તમારામાંથી કોઈ મારી મદદ કરો. કોઈ અમદાવાદ જાવ અને દયાને લઈને આવો.
જણાવી દઈએ કે, 2008માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ શરૂ થઈ, ત્યારથી દિશા વાકાણી અકા દયા ગડા આ શો સાથે જોડાયેલી હતી. 2015માં દિશાએ મુંબઈના ચાર્ટડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ 2017માં દિશા મેટરનિટી લીવ પર ગઈ, ત્યારથી શોમાં પરત ફરી નથી.
ફેન્સની ડીમાન્ડને જોતા મેકર્સ દ્વારા દિશાને ફરીથી શૉમાં લેવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સંતાનના ઉછેર પર ધ્યાન આપવા માંગતી હોવાથી ઈનકાર કર્યો હતો. છેલ્લે 2019માં દિશા શૉમાં દયા તરીકે થોડીવાર માટે જોવા મળી હતી. જેમાં તેણીએ જેઠાલાલ સાથે ફોન પર વાત કરી હતી.
