Disha Vakani Personal Life: ભારતીય ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતા કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ લગભગ 18 વર્ષથી દર્શકોના દિલ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ શોએ અનેક કલાકારોને રાતોરાત ઘર-ઘરમાં જાણીતા બનાવી દીધા છે, જેમાં 'દયાબેન' નું અવિસ્મરણીય પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી સૌથી મોખરે છે. જોકે, છેલ્લાં લગભગ નવ વર્ષથી દિશા વાકાણી ગ્લેમર વર્લ્ડ અને નાની સ્ક્રીનથી દૂર છે, ત્યારે ચાહકોના મનમાં સતત એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે દિશા વાકાણી અત્યારે ક્યાં છે અને શું કરી રહી છે.
દયાબેનના પાત્રથી જીત્યા લાખો દિલ
દિશા વાકાણીએ શોમાં પોતાની અનોખી બોલવાની શૈલી, 'હસી-હસીને લોટપોટ' કરી દેતી કિંગ-કોંગ કોમેડી અને નિર્દોષતાથી દર્શકોને ઘેલા કર્યા હતા. ખૂબ જ ટૂંકા સમયમાં 'દયાબેન' નું પાત્ર ભારત સહિત વિદેશમાં વસતા ગુજરાતીઓમાં ખૂબ લોકપ્રિય બન્યું હતું. જોકે, વર્ષ 2017 માં જ્યારે તેમની કારકિર્દી સફળતાના શિખરે હતી, ત્યારે તેમણે મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ પોતાના પરિવાર અને બાળકોના લાલન-પાલનમાં એટલાં વ્યસ્ત થઈ ગયાં કે તેઓ ક્યારેય શોમાં પાછાં ફર્યાં નથી.
નવ વર્ષથી ટીવી સ્ક્રીનથી દૂર
દિશા વાકાણીને ટીવી પરથી ગાયબ થયે નવ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે અને તેઓ અન્ય કોઈ શો કે ઈવેન્ટમાં પણ જોવા મળતાં નથી. હાલમાં તેઓ પોતાના બંને બાળકોના ઉછેર અને અંગત જીવનમાં મશગૂલ છે. ચાહકો આજે પણ સોશિયલ મીડિયા પર તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
B-ગ્રેડ ફિલ્મ અને બોલિવૂડ કનેક્શન
બહુ ઓછા લોકો જાણે છે કે દિશા વાકાણીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 1997 માં ફિલ્મોથી કરી હતી. તેમણે કોઈ મોટા બજેટની ફિલ્મ નહીં પરંતુ 'કમસીન' નામની B-ગ્રેડ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેમણે બોલ્ડ સીન પણ આપ્યા હતા. આ સિવાય તેમણે આમિર ખાનની 'મંગલ પાંડે' અને રિતિક રોશન-ઐશ્વર્યા રાયની 'જોધા અકબર' જેવી હિટ ફિલ્મોમાં પણ નાની ભૂમિકાઓ ભજવી હતી. જોકે, જે અભૂતપૂર્વ સફળતા તેમને 'તારક મહેતા...' ના નાના પડદા પર મળી, તે બોલિવૂડમાં મળી નહોતી.
