Ahmedabad: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા એસ.ટી. બસમાં ડેઈલી અપડાઉન કરતાં લાખો મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે અંતર્ગત મુસાફરોની સુવિધા ખાતર 'ઓનલાઈન પેસેન્જર પાસ' સેવા ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યભરના દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે.
ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણય અંગે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, - ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરો માટે ઓનલાઈન પાસ સિસ્ટમ ટેક્નિકલ કારણોથી બંધ હતી, તે નિગમ દ્વારા ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કરી પુનઃ શરૂ કરવામાં આવી છે.
હવેથી હવેથી મુસાફરો પાસનું પેમેન્ટ ક્યુઆર કોડથી ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. તેમજ મોબાઈલથી પાસનું ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ મુસાફર પોતાની નજીકના બસ સ્ટેશન પરથી પ્રિન્ટ મેળવી શકશે.
આ સુવિધા શરૂ થઈ જતાં લોકલ તથા એક્સપ્રેસ બસમાં કાયમી અપડાઉન કરતા અંદાજિત 2 લાખથી વધુ મુસાફરોને હવે પાસ માટે બસ સ્ટેશને લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ટેક્નિકલ સમસ્યાઓના કારણે દૈનિક મુસાફરો માટેની ઓનલાઈન પાસ સુવિધા હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. જો કે નિગમે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પોતાનું 'ઇન-હાઉસ સોફ્ટવેર' વિકસાવ્યું છે. આ નવા સિસ્ટમના લોન્ચિંગ સાથે જ હવે ટેક્નિકલ અડચણો દૂર થઈ ગઈ છે.
અત્યાર સુધી પાસ કઢાવવા માટે બસ સ્ટેશનો પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું, જેમાંથી હવે મુસાફરોને મુક્તિ મળશે. મુસાફરો ઘરે બેઠા અથવા ઓફિસથી જ પાસની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે, જેનાથી સમય અને શક્તિ બંનેની બચત થશે.
