Ahmedabad: શહેરના ઓઢવ વિસ્તારમાં 'લવ જેહાદ'નો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં AMTSમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ત્રણ સંતાનોના પિતાએ હિન્દુ નામ ધારણ કરીને પોતાની બસમાં અપડાઉન કરતી વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું છે. આ મામલે મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ અંગે પીડિત મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તે AMTSની બસમાં કામ સબબ અપડાઉન કરતી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવરના સંપર્કમાં આવી હતી. આ સમયે બસના ડ્રાઈવરે પોતાનો પરિચય મોહિત પટેલ તરીકે આપ્યો હતો. મોહિતે પોતે કુંવારો હોવાનું જણાવી મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ મહિલા અને આરોપી ફોન અને સોશિયલ મીડિયામાં વાતચીત કરતા હતા.
આરોપી મોહિત પટેલ નામે બોગસ આધાર કાર્ડથી હોટલમાં રુમ રાખતો
મોહિત પટેલ લગ્નની લાલચ આપીને મહિલાને અમદાવાદની અલગ-અલગ હોટલોમાં લઈ જઈને શરીર સબંધ બાંધતો હતો. જ્યાં તે હોટલમાં રોકાવા માટે મોહિત પટેલ નામના આધાર કાર્ડનો ઉપયોગ કરતો હતો.
આ દરમિયાન મહિલાને શંકા જતાં આરોપીના મોબાઈલ નંબર ચેક કરીને તેની બહેનનો સંપર્ક કર્યો હતો. આરોપીની બહેન સાથે વાતચીતમાં જાણ થઈ કે, મોહિતનું અસલ નામ મોહસીનખાન પઠાણ છે અને તે પરિણીત હોવાની સાથે-સાથે ત્રણ બાળકોનો પિતા પણ છે.
આ બાબતની જાણ થતાં મહિલાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાની સાથે દગો થયો હોવાનું ભાન થતાં મહિલાએ આરોપીએ સાથેના સબંધ કાપી નાંખ્યા હતા. આમ છતાં આરોપી તેને સતત ફોન કરીને ધમકીઓ આપતો હતો. આખરે કંટાળીને મહિલાએ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી મોહિત પટેલ ઉર્ફે મોહસીન પઠાણની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
