Ahmedabad: ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગ, સાગરિતો સાથે આવેલો યુવક ઘરની બહાર બેઠેલા પ્રેમિકાના પતિને ગોળી મારી નાસી છૂટ્યો

ઈજાગ્રસ્ત યુવક સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ સજા ભોગવી રહ્યો હતો, ત્યારે તેની પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જે બાદ બન્ને વચ્ચે વર્ષોથી અદાવત ચાલતી આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jul 2026 04:27 PM (IST)Updated: Sat, 25 Jul 2026 04:41 PM (IST)
ahmedabad-news-firing-on-man-by-wife-lover-in-fatewadi-accused-arrested

Ahmedabad: અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં વહેલી પરોઢે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકને તેની જ પત્નીના પ્રેમીએ ગોળી મારી દીધી હતી. હાલ ઈજાગ્રસ્ત યુવકની સોલા સિવિલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે ગોળી મારનારા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતો જાવેદખાન આજથી દસેક વર્ષ પૂર્વે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાસાની સજા કાપી રહ્યો હતો. આ સમયે જાવેદની પત્ની તેના મિત્ર મુજહીદ નાઈ સાથે ભાગી ગઈ હતી. આ મુદ્દે બન્ને વચ્ચે વર્ષોથી અદાવત છે. અગાઉ જાવેદે સમાધાન કરવાનો ઈનકાર કરતાં પત્નીના પ્રેમીએ તેના વાહનમાં તોડફોડ કરીને ગોળી મારવાની ધમકી પણ આપી હતી.

જે બાદ વહેલી પરોઢે 3 વાગ્યાના અરસામાં જાવેદ પોતાના ભાઈ સાથે ઘરની બહાર બેસીને વાતો કરતો હતો. આ સમયે પત્નીનો પ્રેમી તેના બે મિત્રો સાથે ધસી આવ્યો હતો. જ્યાં જાવેદ કઈ સમજે તે પહેલા મુજાહિદે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતુ. જાવેદના જમણા હાથમાં ગોળી વાગતા તેને લોહી નીકળવા લાગ્યું હતુ. આ સમયે બૂમાબૂમ થતાં ત્રણેય લોકો સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા.

આ હુમલામાં ઈજાગ્રસ્ત જાવેદને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં જાવેદની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધીને મુજાહીદ્દની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.