VIDEO: ભારે વરસાદ વચ્ચે લીંબડીના શિક્ષકોની અનુકરણીય ફરજનિષ્ઠા, કેડ સમા પાણીમાં જીવના જોખમે શાળાના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત કર્યાં

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે લીંબડીના શિક્ષકો શૈલેષ સોલંકી અને ચિરાગ પટેલે કેડ સમા પાણીમાં જીવના જોખમે શાળાના મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત કર્યા. તેમની આ ફરજનિષ્ઠા અને સમર્પણ ભાવનાની વહીવટી તંત્ર અને નાગરિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jul 2026 04:01 PM (IST)Updated: Sat, 25 Jul 2026 04:01 PM (IST)
surendranagar-news-teachers-save-school-recrords-amid-heavy-rain-in-nani-kathedi-school-of-limbdi
HIGHLIGHTS
  • નાની કઠેડી શાળાના આચાર્ય અને શિક્ષક કેડ સમા પાણીમાં શાળાએ પહોંચ્યા


Surendranagar Rain: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિથી નાગરિકોને હાલાકી ના પડે તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આપદાની આ વિકટ સ્થિતિ વચ્ચે વહીવટી તંત્રની તત્પરતા સાથે સ્થાનિક સ્તરે કર્મચારીઓ દ્વારા પણ કર્તવ્યનિષ્ઠા દાખવવામાં આવી રહી છે.

આવી જ એક અનુકરણીય ઘટના લીંબડી તાલુકાની નાની કઠેચી પી.એસ. સેન્ટર શાળા ખાતેથી સામે આવી છે. બારે મેઘ ખાંગા થવાના કારણે કેડ સમા ભરાયેલા પાણી અને ઘોર અંધારાની સ્થિતિ વચ્ચે પણ શાળાના આચાર્ય શૈલેષ સોલંકી અને શિક્ષક ચિરાગ પટેલ પોતાના જીવની પણ પરવા કર્યા વિના તાત્કાલિક શાળાએ પહોંચી ગયા હતા.

અમદાવાદમાં વરસતા વરસાદમાં બે ફૂલ ખીલ્યાંઃ જિલ્લા આરોગ્ય તંત્રની સમયસર સારવારથી ભારે વરસાદ વચ્ચે બે મહિલાની સફળ પ્રસૂતિ કરાવાઈ

શાળા પરિસરમાં પાણી ભરાઈ જવાથી મહત્વના સરકારી કાગળો અને દસ્તાવેજો પલળીને નષ્ટ થઈ જવાનું જોખમ ઉભું થયું હતું. આ પરિસ્થિતિમાં બંને શિક્ષકોએ ભારે સમયસૂચકતા દાખવી શાળાના અત્યંત મહત્વપૂર્ણ વહીવટી દસ્તાવેજો, શિક્ષકોની સર્વિસ બુક તેમજ અન્ય તમામ જરૂરી સરકારી રેકોર્ડને સમયસર ઊંચા અને સુરક્ષિત સ્થળે ખસેડી સાચવી લીધા હતા.

 

પોતાના જીવના જોખમે શાળાની સંપત્તિ અને સરકારી રેકોર્ડનું રક્ષણ કરનાર આ શિક્ષકોની ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠા, જવાબદારી અને સમર્પણ ભાવનાની સમગ્ર શિક્ષક સમાજ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા હૃદયપૂર્વક પ્રશંસા કરવામાં આવી રહી છે. વિપરીત સંજોગોમાં દાખવેલી આ કામગીરી સમગ્ર શિક્ષક આલમ માટે શિક્ષકધર્મ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક અનુકરણીય ઉદાહરણ બની રહી છે.