Ahmedabad: રામોલમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો, માતા-બહેને છટકું ગોઠવી પોલીસને હવાલે કર્યો

અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલે જતી વિદ્યાર્થિનીનો પીછો કરી અશ્લીલ ચેનચાળા કરનાર ડિલિવરી બોય સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે. સગીરાની માતા અને બહેને જાળ બિછાવીને તેને રંગેહાથ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Oct 2026 05:07 PM (IST)Updated: Thu, 01 Oct 2026 05:07 PM (IST)
ahmedabad-news-family-traps-delivery-boy-molesting-minor-girl-in-ramol-handed-over-to-police
Accuse-Arrest_SRT-PLC-FB-1782480572705.jpg

Ahmedabad News: શહેરના રામોલ વિસ્તારમાં સ્કૂલે જતી વિદ્યાર્થિનીનો પીછો કરીને અશ્લિલ ચેનચાળા કરનાર ડિલિવરી બોયની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સગીરાની માતા-બહેને જાળ બિછાવીને રોમિયોને રંગેહાથ ઝડપીને પોલીસને હવાલે કર્યો છે.


ડિલિવરી બોય વિદ્યાર્થિનીનો પીછો કરીને વાત કરવા દબાણ કરતો હતો

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રામોલ વિસ્તારની એક સ્કૂલમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની જ્યારે સ્કૂલે જતી, ત્યારે એક યુવક પોતાના મોપેડ પર પીછો કરતો હતો. તેમજ પોતાનો મોબાઈલ નંબર આપીને વિદ્યાર્થિનીને પોતાની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો.

રોમિયોના ધરાર ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થિનીએ પોતાની માતાને આ બાબતે જાણ કરી હતી. જેથી વિદ્યાર્થિનીની માતા અને બહેને યુવકને પકડવા માટે જાળ બિછાવી હતી. જેમાં વિદ્યાર્થિનીને આગળ ચાલવા જણાવ્યું હતુ અને પોતે તેની પાછળ ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીએ યુવકને જોતા ઈશારો કરીને માતા પિતાને જાણ કરી હતી. જે બાદ 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવીને યુવકને પકડાવી દીધો હતો.

આ મામલે વિદ્યાર્થિનીની માતાની ફરિયાદના આધારે રામોલ પોલીસે યુવકની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. આ સાથે જ તેનું મોપેડ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ સમીર શેખ (21) તરીકે થઈ છે. સમીર શેખ ભોગ બનનાર વિદ્યાર્થિનીના શાળા તરફ જતા રોડ પર આવેલા ગોડાઉનમાં 6 મહિનાથી ડિલિવરી બોય તરીકે કામ કરતો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.