Captain Smit Machchhar: સુરેન્દ્રનગરનો વતની કેપ્ટન સ્મિત મચ્છર સાવરકુંડલાનો છે જમાઈ, સાળાએ કહ્યું- 'તેમની બહાદૂરી પર પરિવારને ગર્વ'

દુબઈથી ઈઝરાયેલ જતી ફ્લાઈટમાં કોકપિટમાં હિંસક ઘટના બની, જેમાં કેપ્ટન સ્મિત મચ્છર ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે 174 મુસાફરો સહિત 180 લોકોના જીવ બચાવી વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Oct 2026 04:37 PM (IST)Updated: Thu, 01 Oct 2026 04:37 PM (IST)
captain-smit-machchhar-meet-the-hero-pilot-from-surendranagar-bringing-pride-to-savarkundla
(Picture Credit: AI Generated)

Captain Smit Machchhar: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં કોકપિટમાં હિંસક ઘટના, ઈજાગ્રસ્ત થયા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે સંભાળી પરિસ્થિતિ સંભાળીને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જમાઈ પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરે 180 લોકોના જીવ બચાવ્યા હતા. આકાશમાં થયેલા હિચકારા હુમલા બાદ પણ પ્લેનને સુરક્ષિત લેન્ડિંગ કરીને નીચે ઉતાર્યું હતું

દુબઇથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં 180 મુસાફરોને જીવ બચાવનારા પાયલોટ સ્મિત મચ્છરની જિંદાદિલીની ચારેતરફ ચર્ચાઓ દેશ વિદેશના રાજનેતાઓ કરી રહ્યા છે, ત્યારે આ સ્મિત મચ્છરના અમરેલી જિલ્લાના સાવરકુંડલા સાથે જોડાયેલા પરિવાર માટે ગૌરવની બાબત બની છે.

રાજકોટમાં તબીબી બેદરકારીનો આક્ષેપઃ શિવ હોસ્પિટલમાં એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપ્યા બાદ પરિણીતાનું મોત, પરિવારજનોનો હોબાળો

સાવરકુંડલાના જમાઈ અને ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં બનેલી ગંભીર ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હોવા છતાં વિમાનમાં સવાર મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફ્લાઈટમાં આશરે 174 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત સવાર 180 લોકોના જીવ બચાવ્યા છે.

ફ્લાઈટ FZ1073 દુબઈથી તેલ અવિવ તરફ જઈ રહી હતી. ઉડાન દરમિયાન કોકપિટમાં પાયલોટ્સ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને વિમાનમાં ઇમરજન્સી તથા હાઈજેક સંબંધિત એલર્ટ પણ જારી થયું હતું. જે બાદ વિમાનને ઈઝરાયેલના બદલે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

આ ઘટનામાં પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્મિત મચ્છર લોહીલુહાણ થયા હોવા છતાં તેમણે પરિસ્થિતિને સંભાળી વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ઘટનામાં મુસાફરો અને ક્રૂના સભ્યોએ પણ હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.

સ્મિતે જે બહાદૂરી બતાવી, તેના પર પરિવારને ખૂબ જ ગર્વ

કેપ્ટન સ્મિત મચ્છરનો પરિવાર ગુજરાતના સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલો છે. સ્મિત મચ્છરનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ છે. જ્યારે તેમનું સાસરું અમરેલી જિલ્લાનું સાવરકુંડલા છે. જો કે વર્ષોથી તેમનો પરિવાર મુંબઈ સ્થાયી થઈ ગયો છે.

તેમના સગા સાળા હિરેન જોગીના જણાવ્યા પ્રમાણે, આ ઘટનાની જાણ થતાં પરિવાર ચોંકી ગયો હતો. અમને સૌ કોઈને ચિંતા થઈ હતી, પરંતુ સ્મિતે મુશ્કેલ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે જે હિંમત બતાવી તેના કારણે પરિવારને તેમના પર ગર્વ છે. કેપ્ટન સ્મિત મચ્છર પાસે લાંબો ઉડ્ડયન અનુભવ હોવાનું પણ જણાવાયું છે.

સ્મિત મચ્છર 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઈસજેટમાં પાયલોટ તરીકે કામ કર્યું છે અને 9,500થી વધુ ફ્લાઈંગ કલાકનો અનુભવ ધરાવે છે. તેમાં 6,400થી વધુ કલાક પાયલોટ-ઈન-કમાન્ડ તરીકેની ફરજનો સમાવેશ થાય છે. હાલ કેપ્ટન સ્મિત મચ્છરની સાઉદી અરેબિયામાં સારવાર ચાલી રહી છે.

આ ઘટનાએ ફરી એક વખત બતાવ્યું છે કે આકાશમાં અચાનક સર્જાતી ગંભીર પરિસ્થિતિમાં પાયલોટની તાલીમ, અનુભવ અને નિર્ણયક્ષમતા કેટલી મહત્વપૂર્ણ બની શકે છે. સાવરકુંડલા સાથે જોડાયેલા કેપ્ટન સ્મિત મચ્છરની આ ઘટના બાદ સ્થાનિક લોકો અને પરિવારજનોમાં તેમના સાહસની ચર્ચા થઈ રહી છે.


સ્મિત મચ્છરને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરાશે

મૂળ ગુજરાતી એવા સ્મિત મચ્છરના આ અદમ્ય સાહસ બદલ ગુજરાત સરકાર દ્વારા તેમને વિશિષ્ટ 'ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે,

ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે.