Ahmedabad Analog Paneer: અમદાવાદ શહેરની હોટેલ, રેસ્ટોરાં અને ઢાબામાં પનીરની સબ્જી ખાવાના શોખીનો માટે એક અત્યંત ચોંકાવનારા અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે, જેમાં દૂધના પનીરને બદલે પામોલિન તેલ અને કેમિકલમાંથી બનેલું નકલી 'એનાલોગ પનીર' પીરસવામાં આવી રહ્યું છે.
12 હોટેલ-રેસ્ટોરાં સામે કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં શહેરમાં 12 જેટલી હોટલ અને રેસ્ટોરાંમાં પનીરના નામે પામોલિન પીરસવામાં આવતું હોવાનું ખૂલ્યું છે. આરોગ્ય વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં પનીરના 85 નમૂના લીધા હતા, જેમાંથી 25 નમૂના ફેલ (અપ્રમાણિત) જાહેર થયા છે.
અમદાવાદ મનપાની કડક કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે 12 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શનિવારે પણ વધુ 22 સ્થળે તપાસ કરીને રૂ. 70 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદમાં આવા કિસ્સા વધતા શહેરીજનોની ચિંતામાં વધારો કર્યો છે. બહાર જમવા જતા લોકોએ હવે પનીરની વાનગીઓ ખાતા પહેલા સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.
આ એકમોમાં પકડાયું નકલી પનીર
અમદાવાદના મણિનગર, ગોતા અને શાહીબાગ જેવા ધમધમતા વિસ્તારમાં એનાલોગ પનીરનું મોટા પાયે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની તપાસમાં નીચે મુજબના એકમોમાં નકલી પનીર વેચાતું હોવાનું ઝડપાયું છે:
- રાધે ડેરી પાર્લર (શાહીબાગ)
- સફલ ફૂડ હાઉસ (ગોતા)
- મા શ્રી ખોડિયાર કાઠીયાવાડી (મણિનગર)
- ન્યૂ મહેફિલ રેસ્ટોરાં (દિલ્હી દરવાજા)
આ પણ વાંચો: ફિનલેન્ડ જવાનું સપનું 'મોંઘું' પડ્યું: નોકરી અપાવવાના બહાને યુવક સાથે રુ. 12 લાખની છેતરપિંડી
3 મહિનામાં 22.42 લાખનો દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનામાં દૂધ, પનીર, મીઠાઈ અને ખાદ્યતેલ સહિત કુલ 2049 નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી 74 નમૂના અપ્રમાણિત જાહેર થતા 1411 જેટલા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ સમયગાળામાં 3081 કિલો અને 3363 લિટર જેટલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરી, અને કુલ રૂ. 22.42 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ન્યુટ્રાસ્યુટીકલ્સ ફૂડના ચેકિંગમાં લાપરવાહી!
એક તરફ નકલી પનીર ઝડપાઈ રહ્યું છે, તો બીજી તરફ ફૂડ વિભાગની એક મોટી લાપરવાહી પણ સામે આવી છે. છેલ્લા 4 વર્ષમાં ફૂડ વિભાગ દ્વારા ન્યુટ્રાસ્યુટીકલ્સ ફૂડ (જેમ કે વિટામિન ટેબ્લેટ, પ્રોટીન પાવડર, પ્રોબાયોટિક ડ્રિન્ક્સ, ગ્રીન ટી, હર્બલ ઇન્ક્યુઝન અને સુપરફૂડ્સ સીડ્સ) ના માત્ર 6 જ સેમ્પલ લેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ 6 સેમ્પલમાંથી પણ બે સબ સ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળા) નીકળ્યા હતા.
