ફિનલેન્ડ જવાનું સપનું 'મોંઘું' પડ્યું: નોકરી અપાવવાના બહાને યુવક સાથે રુ. 12 લાખની છેતરપિંડી

અમદાવાદના રાણીપમાં રહેતા એક યુવક સાથે ફિનલેન્ડમાં નોકરી અપાવવાના બહાને આરોપીઓએ 12 લાખની છેતરપિંડી આચરી છે. જેને લઈને વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 04 Apr 2026 03:55 PM (IST)Updated: Sat, 04 Apr 2026 03:55 PM (IST)
ahmedabad-finland-job-fraud-12-lakh-cheating-ranip-vadaj-police-youth-complaint

Ahmedabad News: અમદાવાદમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાણિપમાં રહેતા મિલન બારોટ નામના યુવક સાથે 12 લાખ રુપિયાની છેતરપિંડી આચરાઈ છે. યુવકને ફિનલેન્ડમાં હોટલ ક્ષેત્રે સારા વળતરની લાલચ આપી આરોપીઓએ પૈસા પડાવ્યા હતા. આ ઘટનાને લઈને વાડજ પોલીસ મથકે નૈમેષ શાહ અને રોહિત શર્મા નામના બે ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નકલી વિઝા અને ઓફરલેટર મોકલ્યો

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2024માં ફરિયાદી વિદેશમાં નોકરી શોધી રહ્યા હતા. જે દરમિયાન તેમના સાથી કર્મચારી મારફતે ઉસ્માનપુરા ઓફિસ ધરાવતા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ નૈમેષ શાહના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ ફરિયાદીને ફિનલેન્ડમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. તેમજ અસલ પાસપોર્ટ, એજ્યુકેશનલ ડોક્યુમન્ટ્સ તેમજ સિક્યોરિટી તરીકે સહી કરેલો કોરો ચેક પણ લીધો. જે બાદ આરોપી નૈમેષ શાહે વોટ્સએપના માધ્યમથી ફેક ઓફર લેટર અને ફિનલેન્ડના રહેણાંક પરમિટ કાર્ડ મોકલીને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. .

આરોપીઓએ 12 લાખ ટ્રાન્સફર કરાવ્યા

ડોક્યુમન્ટ્સ મળી ગયાનું માનીને ફરિયાદી મિલન બારોટે 11મી નવેમ્બરથી 19 નવેમ્બર સુધીમાં તેના અને પત્નીના બેન્ક ખાતામાંથી કુલ 12 લાખ રૂપિયા આરોપી રોહિત શર્માના ખાતામાં ટ્રાન્સફર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, નાણા ચૂકવ્યા હોવા છતા વિઝા, ટિકિટ તેમજ કોઈ પ્રક્રિયા લાંબા સમય સુધી ન થતા ફરિયાદીને શંકા થઈ હતી. ફરિયાદી દ્વારા ફિનલેન્ડ એંમ્બસી પહોચીને ડોક્યુમન્ટ્સ ચેક કરાવ્યા જ્યાં ડોક્યુમેન્ટ્સ ફેક હોવાનું જાણવા મળ્યું હતું.

યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી

યુવકને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા આરોપીઓ પાસે પૈસા પરત માગ્યા હતા. જોકે, આરોપીઓએ માત્ર અસલી દસ્તાવેજો કુરિયર મારફતે પાછા મોકલ્યા હતા અને પૈસા આપ્યા નહોતા. અંતે પીડિતે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા બેન્ક અને ટેક્નિકલ પુરાવાઓના આધારે વધારે તપાસ શરુ કરી છે.