Ahmedabad: ઘોડાસરમાં AMTSની બસ રિપેર કરી રહેલા બે ફોરમેનના મોત, ટૉઈંગ વખતે પાછળથી પુરપાટ આવેલી આઈસરે ચગદી નાંખ્યા

નવા બનેલા બ્રિજ પર અકસ્માતની ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ થતાં એક તરફનો ભાગ બંધ કરવાની ફરજ પડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 27 Jan 2025 06:42 PM (IST)Updated: Mon, 27 Jan 2025 06:42 PM (IST)
ahmedabad-news-eisher-crushed-to-death-amts-forman

Ahmedabad: શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા નવા ઑવર બ્રિજ પર માંતેલા સાંઢની માફક ધસી આવેલ આઈસર ટ્રકે AMTSની બ્રેકડાઉન થયેલી બસને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બસને રિપેર કરી રહેલા બે ફોરમેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઘોડાસર ઑવર બ્રિજ પર AMTSની બસ બંધ પડી ગઈ હતી. જો કે બસ ત્યાં રિપેર થઈ શકે તેમ ના હોવાથી બ્રેકડાઉન દ્વારા ટોઈંગ કરીને લઈ જવા માટે બીજી બસ સાથે કનેક્ટ કરવામાં આવી હતી. આ સમયે બે ફોરમેનને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. જેઓ બન્ને બસને કનેક્ટ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી માંતેલા સાંઢની માફક ધસી આવેલા આઈસર બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી.

આ અથડામણ એટલી ભીષણ હતી કે, ત્યાં કામ કરી રહેલા બન્ને ફૉરમેન ચગદાઈ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ જતાં બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ AMTSના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ હ્રદય આનંદ યાદવ અને રોનક શ્રીમાળી તરીકે થઈ છે. જેઓ AMTSના નહી, પરંતુ ખાનગી બસ ઑપરેટ આદિનાથ બલ્ક કરિયરના કર્મચારી હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે ફરિયાદ નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.