Ahmedabad: અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ જાહેરમાં લાકડી-દંડા અને તલવારો લઈને રીતસરનો આતંક મચાવ્યો હતો. જેમાં કેટલાક લોકો પર હુમલો કરવામાં આવ્યો, તો કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા આવા ગુંડાઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
હકીકતમાં વસ્ત્રાલના મહાદેવનગર નજીક પંકજ ભાવસાર અને સંગ્રામની ગેંગ જૂની અદાવદતમાં એકબીજાને મારવા માટે ફરતી હતી. આ દરમિયાન તોફાની ટોળકી હાથમાં ખુલ્લી તલવારો, લાકડી-દંડા લઈને રસ્તા પર ઉતરી હતી અને રીતસરનો આતંક મચાવ્યો હતો. જેમાં રસ્તામાં જે મળે, તેના પર આ ટોળકી હુમલો કરતી હતી. આ સાતે જ વાહનોમાં તોડફોડ કરી હતી. જેના પગલે સ્થાનિકોમાં દહેશત વ્યાપી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે 14 જેટલા લુખ્ખા તત્વોને પકડી પાડ્યા હતા.
આટલું જ નહીં, લોકોમાંથી લુખ્ખાઓનો ડર દૂર કરવા માટે પોલીસ તમામ આરોપીઓને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી. જ્યાં તેઓને સૌની સામે ફટકાર્યા હતા. જે પૈકી 7 આરોપીઓના મકાન ગેરકાયદે હોવાથી સ્થાનિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોશનની ટીમ દ્વારા શહેરના અમરાઈવાડા અને ખોખરા વિસ્તારમાં મકાનનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ.
આ સમયે આરોપીઓના પરિવારજનો દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યા હતો. જો કે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આ સાથે જ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.
આ મામલે પોલીસ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું કે, AMC અને સ્થાનિક પોલીસ દ્વારા અમરાઈવાડીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજવીરસિંહ બિહોલાનું મકાન જર્જરિત હોવાથી તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આતંક મચાવતા કોઈને પણ છોડવામાં નહીં આવે.
