Vadodara: કારેલીબાગ હિટ એન્ડ રનઃ પોલીસે આરોપીને રક્ષિત ચોરસિયાને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

રિકન્સ્ટ્રક્શન વખતે સ્થળ પરો લોક ટોળા ઉમટી પડતાં આરોપીનો ટપલી દાવ ના થાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 15 Mar 2025 05:32 PM (IST)Updated: Sat, 15 Mar 2025 05:32 PM (IST)
vadodara-news-karelibaug-hit-and-run-accuses-rakshit-chaurasia-reconstruction
HIGHLIGHTS
  • આરોપીએ નશો કર્યો હોવા મામલે FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે: DCP

Vadodara: વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે બનેલા અકસ્માતના બનાવનું કારેલીબાગ પોલીસે આરોપી રક્ષિત ચોરસીયાને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. હાલ આરોપી એક દિવસના રિમાન્ડ પર હોય નિયત સમય પૂર્ણ થાય તે પહેલા આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી ફરીથી જરૂર પડશે તો વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ ડીસીપી ઝોન ચાર દ્વારા જણાવાયું છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે સાત વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં પોલીસે ઉત્તર પ્રદેશના રક્ષિત ચોરસીયા અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપી રક્ષિતને સાથે રાખીને આજે કારેલીબાગ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આરોપીને વિસ્તારમાં લઈ જતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા. જેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે આજે સવારે આરોપીને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો.

ડીસીપી ઝોન 4 ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, હાલમાં આરોપીને નામદાર કોર્ટમાં રજુ કર્યા હતા. એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડના હેઠળ અમે તપાસ કરી રહ્યા છે. આરોપી ક્યાં ગયેલ હતા અને કોને કોને મળ્યા હતા અને આખા રસ્તા પર સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ અમે મેળવેલા છે. અને હાલમાં અમારી તપાસ ચાલુ છે તમામ જે આરોપીઓ છે. બધાના બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે. જેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવેલા છે. એ રિપોર્ટની જ આપણે રાહત જોઈ રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમે રિમાન્ડની માંગણી કરી હતી અને એ મુજબ અમારી આગળની તપાસ ચાલી રહી છે. જો અમને હજી પણ જરૂર પડશે તો વધુ રિમાન્ડ માંગીશું. રૂટિન છે જોગવાઈ મુજબ મેડિકલ કરાવવાનું હોવાથી તેના ભાગરૂપે અમે એને એસએસજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.