Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાવાનું લગભગ નક્કી, બોર્ડની ભલામણ પર 26 નવેમ્બરે આખરી નિર્ણય લેવાશે

કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદ શહેરને 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની ભલામણ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 15 Oct 2025 08:33 PM (IST)Updated: Wed, 15 Oct 2025 08:59 PM (IST)
ahmedabad-news-commonwealth-games-2030-held-in-the-city-decission-take-on-26th-november
HIGHLIGHTS
  • ગુજરાત માટે ગર્વની ક્ષણ, વડાપ્રધાન મોદીનો આભાર: મુખ્યમંત્રીનું ટ્વીટ
  • કોમનવેલ્થ 2030ની યજમાની રેસમાં નાઈજીરિયાનું અબુજા શહેર પણ સામેલ

Ahmedabad: એક્ઝિક્યુટિવ બોર્ડ ઑફ કૉમનવેલ્થ સ્પોર્ટ્સ દ્વારા ગુજરાતના અમદાવાદ શહેરને 2030માં (Commonwealth Games 2030) આયોજિત કૉમનવેલ્થ ગેમ્સનું યજમાન બનાવવાની ભલામણ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ હવે ફુલ કૉમનવેલ્થ ગેમ્સ મેમ્બરશિપ સમક્ષ રાખવામાં આવશે.

હકીકતમાં આગામી 26 નવેમ્બર, 2025ના રોજ ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેસ્મ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદને યજમાની આપવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો ગ્લાસગોમાં નિર્ણય ભારતની તરફેણમાં આવશે, તો ભારત બીજી વખત કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. અગાઉ 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કોમનવેલ્થ ગેમ્સ એવોલ્યુશન કમિટી દ્વારા એક વિસ્તૃત પ્રક્રિયાનું પાલન કર્યાં બાદ અમદાવાદ શહેરની ભલામણ કરવામાં આવી છે. આ કમિટીએ 2030ની કોમનવેલ્થ માટે અમદાવાદને યજમાની આપવા ભલામણ માટેના અનેક કારણો જણાવ્યા છે. જેમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાનનો આભાર માન્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકવામાં આવી છે. જેમાં તેમણે વડાપ્રધાનનો આભાર માનતા લખ્યું છે કે, આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે ભલામણ કરવામાં આવી છે. આ ઐતિહાસિક સીમાચિહ્ન અમદાવાદને ભારતની રમતગમત રાજધાની બનાવવાના આપણા વિઝનને આગળ ધપાવે છે.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ આનંદ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની બિડને કોમનવેલ્થ ગેમ્સ દ્વારા મંજૂરી મળવા પર આનંદ વ્યક્ત કર્યો.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ભારત માટે ખૂબ જ આનંદ અને ગર્વનો દિવસ છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ દ્વારા કોમનવેલ્થ ગેમ્સની મંજૂરી મળવા પર ભારતના દરેક નાગરિકને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. શ્રી શાહે કહ્યું કે આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર લાવવાના અથાક પ્રયાસોનો ઝળહળતો પુરાવો છે. તેમણે કહ્યું કે વિશ્વ કક્ષાનું માળખાગત બાંધકામ કરીને અને દેશભરમાં રમતગમત પ્રતિભાઓનો વિશાળ ભંડાર બનાવીને, પ્રધાનમંત્રી મોદીએ ભારતને એક નોંધપાત્ર રમતગમત સ્થળ બનાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ 2030ની રેસમાં નાઈજીરિયાનું અબુજા શહેર પણ સામેલ છે. જો કે ભારતે તેને પાછળ છોડી દીધુ છે. 1930માં કેનેડાના હેમિલ્ટન શહેરમાં કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત કરવામાં આવી હતી. એવામાં 2030માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ માટે એક ઐતિહાસિક ક્ષણ રહેશે.