Ahmedabad: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ સામે આવ્યો છે. જેમાં ઘરેથી ભાગીને આવેલી સગીર પ્રેમિકા સાથે ઝઘડો થતાં પ્રેમીએ મિત્ર સાથે મળીને તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી. આટલું જ નહીં, હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને કેનાલમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે હત્યારા પ્રેમીના મિત્રની ધરપકડ કરી છે.
નરીમનપુરા કેનાલમાંથી સગીરાની તરતી લાશ મળી આવી
ગત રોજ સરખેજ વિસ્તારમાંથી પસાર થતી નરીમનપુરા કેનાલમાં અજાણી યુવતીની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં ફાયર બ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ યુવતીએ આપઘાત કર્યો હોવાનું લાગતુ હતું. જો કે તેના શરીર પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સેવાઈ રહી હતી.
આ મામલે સરખેજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તેની ઓળખ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. જેમાં સગીરાની ધારદાર હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. જ્યારે તેની ઓળખ 15 વર્ષીય સગીરા તરીકે થઈ હતી.
બે મહિના પહેલા સગીરા ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેવા લાગી હતી
આ મામલે મૃતક સગીરાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ અમારો પરિવાર સરખેજ વિસ્તારમાં જ રહેતો હતો. આ સમયે સગીરાની રિક્ષા ચાલક અજય ઠાકોર સાથે આંખ મળી ગઈ હતી. જો કે સમાજમાં બદનામીની બીકે સગીરાનો પરિવાર ખંભાત રહેવા જતો રહ્યો હતો.
જો કે બે મહિના પહેલા જ સગીરા જન્મનો દાખલો સહિતના પોતાના તમામ ડોક્યુમેન્ટ લઈને ઘરેથી ભાગી ગઈ હતી. જે બાદ સરખેજ ખાતે પ્રેમી અજય ઠાકોર સાથે લિવ ઈનમાં રહેવા લાગી હતી.
મિત્રએ સગીરાના હાથ પકડ્યા, તે સાથે જ પ્રેમી ખિસ્સામાંથી છરી કાઢી તૂટી પડ્યો
મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે હત્યારા પ્રેમીના મિત્ર હિતેશ ઠાકોરની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું કે, ગત 13 ઓક્ટોબરની રાતે સગીરા, અજય અને હિતેશ નરીમનપુરા કેનાલ પાસે મળ્યા હતા. જ્યાં અજય અને સગીરા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન અજયે મિત્ર હિતેશને કહેતા તેણે સગીરાના બન્ને હાથ પકડી લીધા હતા. જે બાદ અજયે પોતાના ખિસ્સામાંથી છરી કાઢીને સગીર પ્રેમિકાને આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
સગીરાને લોહીના ખાબોચિયામાં ફસડાયેલી જોતા હિતેશ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જે બાદ અજયે સગીરાની લાશને કેનાલમાં ફેંકીને પોતે પણ ફરાર થઈ ગયો હતો. હાલ તો સરખેજ પોલીસે હત્યારા અજયની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
