Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 199મું અંગદાન, બ્રેઈન ડેડ BSFના વીર જવાને અંગદાન કરી 4ને નવજીવન આપ્યું

સૈનિક ક્યારેય મૃત્યુ પામતા નથી તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ દેશસેવા માટે કામ લાગે છે આ વાત ખરા અર્થમાં ચરિતાર્થ થઇ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Jul 2025 08:03 PM (IST)Updated: Fri, 04 Jul 2025 08:03 PM (IST)
ahmedabad-news-brain-dead-bsf-jawan-organ-donation-at-civil-hospital
HIGHLIGHTS
  • BSF જવાન રાધાક્રિષ્ન રાયના લિવર અને કિડનીનું દાન મળ્યું
  • એક્ટિવા સ્લીપ થતાં જવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીએસએફના એક જવાન બ્રેન્ડેડ છતાં તેમના સ્વજનોએ અંગદાન કરીને પરોપકારભાવ સાથે દેશ સેવાનો પરચો આપ્યો.

આ અંગે વધુ માહીતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે તા.04.07.2025 ના રોજ 199 મું અંગદાન થયું છે. મૂળ પ.બંગાળ ના રહેવાસી 48 વર્ષીય રાધાક્રિષ્ન રાય BSF માં ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા.

તા.29.06.26 ના રોજ નાના ચીલોડા ખાતે સાંજે 8 વાગ્યાની આસપાસ એક્ટીવા સ્લીપ થતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ. જેથી તેમને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ તેમને તે જ દીવસે મોડી રાતે સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ લઇ જવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં 72 કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તા. 03.07.25 ના રોજ ડૉક્ટરોએ રાધાક્રિષ્ન રાયને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલમાં હાજર પરીવારજનો એ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.

BSF જવાન રાધાક્રિષ્ન રાય ના અંગદાનથી મળેલ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મેહતા હોસ્પિટલ અને એક લીવર તેમજ બે કીડની ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 199 અંગદાતાઓ થકી કુલ 652 અંગો નું દાન મળેલ છે. જેમાં 174 - લીવર, 362- કીડની, 13-સ્વાદુપિંડ, 63-હ્રદય, 32-ફેફસા, 6-હાથ, 2-નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને અત્યાર સુધી માં 21 જેટલી ચામડીનુ પણ દાન મળ્યુ છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ 199 માં અંગદાન સાથે આજ દિન સુધી 633 જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ તેમ ડૉ. જોષીએ ઉમેર્યુ હતુ.

BSF જવાન રાધાક્રિષ્ન રાય ના અંગદાન નુ આ પગલુ માત્ર માનવતાની એક સેવા નહી પરંતુ આપણા વીર જવાનો ની સાચી ઓળખ છે. જીવનભર ભારતીય સેના માં સેવા માટે અને મૃત્યુ બાદ અંગદાન કરી અનેક પરીવારો ના જીવન માં નવી આશા માટે આપણે સૌ બીએસએફ જવાન અને તેમના પરીવાર ના હંમેશા ઋણી રહીશુ તેમ ડૉ. જોષીએ જણાવ્યુ હતુ.