ગુજરાતમાં સિઝનનો સરેરાશ 38 ટકા વરસાદઃ 23 જળાશયો હાઈએલર્ટમાં મૂકાયા, 3703થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા 33 જિલ્લાના 199 તાલુકામાં વરસાદ પડયો છે. આમ વીતેલા 24 કલાકમાં રાજ્યનો સરેરાશ વરસાદ 20.20 મિમિ નોંધાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Jul 2025 07:24 PM (IST)Updated: Fri, 04 Jul 2025 07:24 PM (IST)
ahmedabad-news-gujarat-rain-report-till-to-date-on-4th-july-2025
HIGHLIGHTS
  • અત્યાર સુધીમાં 676 લોકોને રેસ્ક્યુ કરાયા
  • જામનગર જિલ્લાનો રણજીતસાગર ડેમ ઑવરફ્લો

Gujarat Rain Data: ગત 16 જૂનના રોજ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેઠું, ત્યારથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને તો મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ ઘમરોળી નાંખ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 8 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 342.51 મિ.મી (38.64 ટકા) વરસાદ વરસ્યો છે.

ઝોન વાઈઝ વરસાદની વિગતો જોઈએ તો, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 40.93 ટકા વરસાદ ખાબક્યો છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં 39.75 ટકા, મધ્ય ગુજરાતમાં 38.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા તેમજ કચ્છ જિલ્લામાં 37.64 ટકા વરસાદ વરસ્યો છે.

વીતેલા 24 કલાકમાં રાજ્યના 199 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જે પૈકી સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ રાજકોટના જામકંડોરણા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, અને જામનગરના જોડીયામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 173 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 89 મિ.મી (3.5 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના વાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 76-76 મિ.મી (2.9 ઈંચ), બોટાદના ગઢડામાં 75 મિ.મી (2.9 ઈંચ), વલસાડના વાપીમાં 72 મિ.મી (2.8 ઈંચ),વલસાડ શહેરમાં 71 મિ.મી (2.7 ઈંચ) વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના પગલે રાજ્યના 23 જળાશયોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ સિવાય 17 જળાશયોને એલર્ટ પર છે. જ્યારે જામનગરના રણજીતસાગર ડેમ હાલ ઑવરફ્લો થયો હોવાનું માલૂમ પડ્યું છે.

આજ સુધી ભારે વરસાદના પગલે 3703 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે, તો 676 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં NDRF-SDRFની 33 ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે પાણી ભરાવવાના કારણે રાજ્યના 86 રસ્તાઓ હજુ પણ બંધ છે.