સાયબર માફિયાઓના 'ડિજિટલ એરેસ્ટ'ના પ્લાન પર પાણી ફરી વળ્યું, બેંક કર્મચારીની સતર્કતાથી મણિનગરની વૃદ્ધાના રૂ.33.35 લાખ બચી ગયા

વોટ્સએપ કોલ પર વૃદ્ધાનો આધાર નંબર મેળવી લીધો. જે બાદ તમારા આધાર પર ખુલેલા બેંક એકાઉન્ડમાં સ્કેમના પૈસા જમા થયા હોવાનું કહીને ધમકાવતા વૃદ્ધા બેંકમાં પહોંચ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Dec 2025 07:25 PM (IST)Updated: Sat, 13 Dec 2025 07:25 PM (IST)
ahmedabad-news-bob-officer-save-rs-33-35-lakh-of-old-woman-digital-arrest-in-maninagar
HIGHLIGHTS
  • વૃદ્ધા બેંક ઑફ બરોડામાં જઈને પોતાના પૈસા શંકાસ્પદ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ઉતાવળ કરતી હતી

Ahmedabad: શહેરના મણિનગર વિસ્તારની વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરવાના સાયબર ગઠિયાઓના મનસૂબા પર બેંક કર્મચારીની સતર્કતાના કારણે પાણી ફરી વળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બેંક કર્મચારીને શંકા જતાં તાત્કાલિક તેમણે સાયબર સેલમાં જાણ કરતાં વૃદ્ધાના 33.35 લાખ રૂપિયા ગઠિયાઓના હાથમાં જતા બચી ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 10 ડિસેમ્બરના રોજ એક વૃદ્ધ મહિલા મણિનગર સ્થિત બેંક ઑફ બરોડામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાની તમામ ફિક્સ ડિપોઝીટ સહિતની 33.35 લાખ રૂપિયાની રકમ એક ચોક્કસ ખાતામાં જમા કરાવવા માટે ઉતાવળ કરતાં હતા.

જો કે આ સમયે બેંકમાં હાજર અધિકારીને વૃદ્ધાના ચહેરા પર ડર જોઈને શંકા જતાં તેમણે તાત્કાલિક સાયબર સેલને જાણ કરી હતી. જેથી સાયબર ક્રાઈમની એક ટીમ તાત્કાલિક બેંકમાં પહોંચી હતી અને વૃદ્ધા અને બેંક અધિકારીની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, વૃદ્ધાને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ વૃદ્ધાને તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ સંદિગ્ધ ગતિવિધિઓમાં થયો હોવાથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે. જે બાદ ડરી ગયેલી વૃદ્ધા પાસેથી તેનો આધાર નંબર મેળવી લીધો હતો અને તેમના આધાર કાર્ડથી ખુલેલા બેંક એકાઉન્ડમાં સ્કેમના પૈસા જમા થયા હોવાનું કહીને ધમકાવ્યા હતા. આથી નાણાંના વેરીફિકેશન માટે 33.35 લાખ રૂપિયા આપેલા ખાનગી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતુ.

વૃદ્ધાને ડિજિટલ એેરેસ્ટ કર્યાં હોવાથી તેઓ જેમ-તેમ કરીને કેસમાંથી છૂટવા માટે ગઠિયાઓએ આપેલા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંકમાં પહોંચ્યા હતા. જો કે બેંક કર્મચારીની સતર્કતા અને પોલીસની સમજાવટના અંતે વૃદ્ધાની મરણ મૂડી ગઠિયાઓના હાથમાં જતા બચી ગઈ હતી. જ્યારે ભોગ બનનાર વૃદ્ધાના પરિવારજનોને પણ બોલાવીને તેમને પણ આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે.