Navsari: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના એક ગામની 13 વર્ષની સગીરા પર ટ્રક ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે સ્થાનિકોની મદદથી નરાધમ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઝારખંડના લાતેહારનો વતની ટ્રક ચાલક વિનયકુમાર સૂરજસિંહ ગત ગુરુવારે વલસાડમાં સામાન ઉતારીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે ચીખલી નજીક સર્વિસ રોડ પર ચા-નાસ્તો કરવા ઉભો રહ્યો હતો.
આ પણ વાંચો
આ સમયે વિનયકુમારની નજર સગીરા પર પડતાં તેની દાનત બગડી હતી. જેણે સગીરાને 'તું મેરે સાથ ચલ, મેં તુજે ચોકલેટ દીલાઉંગા' કહીને પોતાની ટ્રકની કેબિનમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.
જો કે ત્યાંથી પસાર થતા લોકોએ બાળકીને ટ્રકમાં કઢંગી હાલતમાં જોતા શંકા ગઈ હતી. આથી તેમણે ટ્રક ચાલકને પકડ્યા બાદ બાળકીના પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા.
જે બાદ સગીરાને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, ટ્રક ડ્રાઈવરે એકાદ મહિના પહેલા પણ ત્રણેક વખત પોતાની સાથે ગંદુ કામ કર્યું હતુ. આથી રોષે ભરાયેલા ટોળાએ આરોપી ટ્રક ડ્રાઈવરને ઝૂડી નાંખીને પોલીસને હવાલે કર્યો હતો.
હાલ તો ચીખલી પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ટ્રક ડ્રાઈવર પરિણીત છે અને તેને પણ સંતાનમાં અઢી વર્ષની એક દીકરી હોવાનું સામે આવ્યું છે. ટ્રક ડ્રાઈવર સમયાંતરે ઝારખંડથી વલસાડ સ્થિત કંપનીમાં સામાન ઉતારવા માટે આવતો હતો.
