Ahmedabad: શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓ અને હિન્દુ સંગઠનોનો હોબાળો, વિદ્યાર્થીઓને ભારત વિરોધી મહિલા વિશે ભણાવાતું હોવાનો આક્ષેપ

આનંદ નિકેતન સ્કૂલમાં છેલ્લા એક મહિનાથી સવારની પ્રાર્થના તેમજ નેશનલ એન્થમ બંધ કરી દેવાયું. જ્યારે પૂછીએ, ત્યારે સંચાલકો ઉડાઉ જવાબ આપતા હોવાનો આક્ષેપ. આખરે જિલ્લા શિક્ષણ અધિકારીએ આનંદ નિકેતન સ્કૂલને એક જ દિવસમાં બે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Aug 2026 05:20 PM (IST)Updated: Tue, 11 Aug 2026 05:20 PM (IST)
ahmedabad-news-anand-niketan-school-shilaj-controversy-parents-protest-over-religious-allegations
HIGHLIGHTS
  • આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચ નીકળતા ફૂડ વિભાગમાં ફરિયાદ

Anand Niketan School Shilaj Controversy: શહેરના શીલજ વિસ્તારમાં આવેલી જાણીતી આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. જેમાં સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

બીજી તરફ સ્કૂલમાં અન્ય ધર્મના પુસ્તકો વાંચવામાં આપતા હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં પહોંચીને હોબાળો મચાવ્યો છે. આ બન્ને મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આનંદનિકેત સ્કૂલને એક જ દિવસમાં બે નોટિસ ફટકારવામાં આવી છે.


સ્કૂલમાં પ્રાર્થના બંધ કરી દેવાઈ, વિદ્યાર્થીઓને અન્ય ધર્મના પુસ્તકો વાંચવાનું દબાણ કરાયું

હકીકતમાં હિન્દુ સંગઠનો સહિત વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, આનંદનિકેતન સ્કૂલ સત્તાધીશો દ્વારા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સવારની પ્રાર્થના બંધ કરી દેવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે VHP અને વાલીઓએ અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી.

આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, શીલજ સ્થિત આનંદ નિકેતન સ્કૂલમાં છેલ્લા એક મહિનાથી સવારની પ્રાર્થના બંધ કરી દેવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને અન્ય ધર્મના પુસ્તકો વાંચવાનું કહેવામાં આવતું હોવાની અમને ફરિયાદ મળી હતી. આથી અમે શિક્ષણ નિરીક્ષકને તપાસ કરવા સૂચના આપી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તથ્ય સામે આવશે.

આ ઘટનાીન ગંભીરતાને જોતા શિક્ષણ અધિકારી દ્વારા આનંદ નિકેતન સ્કૂલને નોટિસ ફટકારીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. તેમજ વિદ્યાર્થી દીઠ 10 હજાર રૂપિયાનો દંડ કેમ ના કરવો? તેને લઈને એક જ દિવસમાં ખુલાસો કરવા સૂચના આપવામાં આવી છે. જો સ્કૂલ સત્તાધીશો તરફથી કોઈ જવાબ નહીં રજૂ કરવામાં આવે, તો આગળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આનંદ નિકેતન સ્કૂલમાં ભારતનો વિરોધ કરનાર મહિલા વિશે ભણાવાય છે

બીજી તરફ હિન્દુ સંગઠનોના સભ્યોએ જણાવ્યું કે, આનંદ નિકેતન સ્કૂલમાં એક મહિનાથી પ્રાર્થના બંધ કરી દેવામાં આવી છે. તેમજ નેશનલ એન્થમ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે વાલીઓ ફરિયાદ કરવા જાય, તો સ્કૂલ સત્તાધીશો દ્વારા કોઈ જવાબ પણ નહતો આપવામાં આવતો. આટલું જ નહીં, આ સ્કૂલમાં ભારતનો વિરોધ કરતી મહિલા વિશે ભણાવવામાં આવતું હતુ. આ મહિલાને નમાજ પઢતી બતાવીને દર્શાવવામાં આવતું હતું કે, જો તું નમાજ પઢીશ, તો શાંતિનું નોબલ પ્રાઈઝ મળશે.

બાળકને આપેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળ્યો

આ સિવાય સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવે છે. જેમાં એક બાળકને નાસ્તામાં કાચનો ટુકડો આવી ગયો હતો. જેથી તેણે પોતાના મોંઢામાંથી કાઢીને શિક્ષકને બતાવ્યો હતો. આ મામલે વાલીઓએ સ્કૂલમાં આપવામાં આવતા ફૂડની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે. આ મામલે પણ વાલીઓ દ્વારા અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ બાબતે સ્કૂલના સંચાલકો સમક્ષ ખુલાસો માંગ્યો છે.

સ્કૂલ સંચાલકોના ફોન સ્વિચ ઑફ

આ સંદર્ભે ગુજરાતી જાગરણ દ્વારા આનંદ નિકેતન સ્કૂલના સત્તાધીશો તેમજ સ્કૂલની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આપેલા તમામ નંબરો સ્વીચ ઑફ આવી રહ્યા છે.