Delhi Tourism News: દિલ્હીના આધ્યાત્મિક અને વારસાગત પર્યટનને નવી દિશા, CM રેખા ગુપ્તાના હસ્તે અક્ષરધામથી ચાર નવા ટુરિઝમ સર્કિટનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અક્ષરધામ મંદિર પરિસરમાં દિલ્હીના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો. આ પહેલ 'આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026' અંતર્ગત થઈ, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પણ ઉપસ્થિત રહ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Aug 2026 04:27 PM (IST)Updated: Tue, 11 Aug 2026 04:27 PM (IST)
cm-rekha-gupta-launches-4-new-delhi-tourism-circuits-at-akshardham

Delhi Tourism News: દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલરૂપે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સંબંધિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન દિલ્હી સરકારના પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવજીએ પણ સંમેલનમાં સહભાગી બની કાર્યક્રમની શોભા વધારી હતી.

સંમેલનના ભાગરૂપે અક્ષરધામ પરિસરમાં વિશેષ ‘હેરીટેજ વૉક’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સહભાગીઓને દિલ્હીની સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વિરાસતની ઝીણવટભરી વિશેષતાઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા.

અક્ષરધામની દિવ્ય અને પાવન ભૂમિ પર આયોજિત આ કાર્યક્રમમાં તમામ સહભાગીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવજીએ અક્ષરધામ મંદિરના દર્શન કરી મંદિરની આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અક્ષરધામ પરિસરની પવિત્રતા અને અહીં અનુભવાતી આધ્યાત્મિક શાંતિ વચ્ચે આ મહત્વપૂર્ણ કાર્યક્રમના પ્રારંભ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમનો પ્રારંભ સવારે 10 વાગ્યે થયો હતો. પર્યટન વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ ચાર નવા સર્કિટમાં દિલ્હીનાં પ્રમુખ મંદિરો, અન્ય ધાર્મિક સ્થળો ઉપરાંત અત્યાર સુધી પર્યટનના નકશા પર ઓછાં ચર્ચાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા છે. પર્યટન વિભાગનો હેતુ એક જ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને દિલ્હીની સમૃદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક વિરાસતનો અનુભવ કરાવવાનો છે.

12 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સને આ નવા પર્યટન રૂટ્સની મુલાકાત કરાવવામાં આવશે. જે બાદ તેઓ આ રૂટ્સ સાથે જોડાયેલા વીડિયો, રીલ્સ અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે.

આ અગાઉ ફેબ્રુઆરી 2026માં દિલ્હી સરકારે ‘દિલ્હીની ધરોહર’, ‘દિલ્હીનું દિલ અને વિરાસત’, ‘દિલ્હીનું રહસ્ય’ અને ‘દિલ્હી જુઓ દિલથી’ નામે ચાર હેરિટેજ-કલ્ચરલ સર્કિટ શરૂ કર્યા હતા. સરકારનું માનવું છે કે આ સર્કિટ લોકપ્રિય બનવાથી સ્થાનિક ગાઇડ, પરિવહન સંચાલકો, રેસ્ટોરાં, વેપારીઓ તેમજ અન્ય નાના વ્યવસાયકારો માટે રોજગાર અને આર્થિક તકોમાં વધારો થશે. સાથે જ પ્રવાસીઓ દિલ્હીમાં વધુ સમય રોકાય અને શહેરની સમૃદ્ધ વિરાસતને નજીકથી માણે તે માટે પણ પ્રોત્સાહન મળશે.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમનું સ્થળ અક્ષરધામ દિલ્હી શહેરની આધ્યાત્મિક અને સ્થાપત્ય વિરાસતનું જીવંત પ્રતિબિંબ રજૂ કરે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ‘વિશ્વનું સૌથી મોટું સંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે માન્યતા પ્રાપ્ત આ મંદિર ભારતની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક અને સ્થાપત્ય વિરાસત તથા ઉચ્ચ જીવનમૂલ્યોનો પરિચય વિશ્વભરમાંથી આવતા મુલાકાતીઓને કરાવી રહ્યું છે.

દિલ્હીના અક્ષરધામ સહિત વિશ્વભરમાં 1,800થી વધુ મંદિરો અને આધ્યાત્મિક કેન્દ્રોનું નિર્માણ કરનાર BAPS સંસ્થાના વડા અને આધ્યાત્મિક ગુરુ મહંતસ્વામી મહારાજે સૌના ઉત્કર્ષ, સુખાકારી, સુસ્વાસ્થ્ય અને નીતિમય જીવન માટે પ્રાર્થના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં અક્ષરધામના પ્રભારી સંત મુનિવત્સલ સ્વામીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.