Ahmedabad BRTS Routes: રાયપુરથી સારંગપુર સુધી 'તિરંગા યાત્રા' નીકળશે, કાલે બપોરથી કાલુપુર રેલવે સ્ટેશન સહિત BRTSના પાંચ સ્ટેશનો બંધ રહેશે

મણિનગરથી ઘુમા, RTOથી મણિનગર, વાસણાથી હંસપુરા અને સાઉથ બોપલથી નહેરુનગર જેવા મુખ્ય 11 BRTS રૂટો પર બસ સેવા રાબેતા મુજબ જ ચાલુ રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Aug 2026 04:12 PM (IST)Updated: Tue, 11 Aug 2026 04:12 PM (IST)
ahmedabad-brts-routes-announced-and-diverted-on-august-12-for-tiranga-yatra

Ahmedabad BRTS Routes Announced: અમદાવાદમાં 12 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આયોજિત 'તિરંગા યાત્રા'ને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા BRTSના રૂટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

આ 'તિરંગા યાત્રા' રાયપુર સ્થિત બિગ બજારથી શરૂ થઈને સારંગપુર દરવાજા સુધી યોજાવાની છે. જેને લઈને બપોરે 2 વાગ્યાથી 'તિરંગા યાત્રા'નો કાર્યક્રમ પૂર્ણ ના થાય, ત્યાં સુધી કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

BRTSના આ સ્ટેશનો પર બસ ઑપરેશન બંધ રહેશે અને ક્યા રૂટ પર ડાયવર્ઝન અપાશે

'તિરંગા યાત્રા'ના રૂટ પર આવતા કાલુપુર રેલવે સ્ટેશન, કાલુપુર ઘી બજાર, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ અને રાયપુર દરવાજા જેવા BRTS સ્ટેશનો પરથી બસની અવરજવર બંધ રહેશે.

જ્યારે કેટલાક રૂટમાં ફેરફાર કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આથી આ રૂટો પર BRTS બસ વૈકલ્પિક માર્ગે જ ચાલશે. જેમાં

RTO સર્ક્યુલર (રૂટ નં.101): આ બસ RTO સર્કલથી સરકારી લીથો પ્રેસ કેબિન સુધી જ દોડશે
નારોલથી સારંગપુર (રૂટ નં. 07): આ બસ નારોલથી આસ્ટોડિયા દરવાજા સુધી જ જશે
સાણંદ સર્કલથી સારંગપુર (રૂટ નં. 14): સાણંદ સર્કલથી આસ્ટોડિયા દરવાજા સુધી ઓપરેટ થશે.
ઈસ્કોનથી રિંગ રોડના રૂટ (નં.02 અને 11): આ બસો અનુવ્રત સર્કલ, કાંકરિયા ગેટ નં. 3, ફૂટબોલ ગ્રાઉન્ડ, ભુલાભાઈ ચાર રસ્તા, મજૂર ગામ અને ગીતા મંદિર થઈને આસ્ટોડિયા દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સત્તાવાર યાદી અનુસાર, મણિનગરથી ઘુમા, RTOથી મણિનગર, વાસણાથી હંસપુરા અને સાઉથ બોપલથી નહેરુનગર જેવા મુખ્ય 11 રૂટો પર બસ સેવા રાબેતા મુજબ જ ચાલુ રહેશે.

હર્ષ સંઘવીના વ્યસ્ત શિડ્યુલના કારણે 'તિરંગા યાત્રા'ની તારીખમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ 'તિરંગા યાત્રા' 11 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. જો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચી ગયા હતા. જે બાદ તેમના વ્યસ્ત શિડ્યુલના કારણે આયોજકો દ્વારા 'તિરંગા યાત્રા'ની તારીખ 12 ઓગસ્ટ કરવામાં આવી હતી. 12 ઓગસ્ટે આયોજિત 'તિરંગા યાત્રા' યાત્રાના પગલે શહેરના પૂર્વ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.