Amreli: 12 વર્ષ જૂના સગીરાના અપહરણ અને પોક્સોના ગુનાનો ભેદ ઉકેલાયો, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા ફોટોના આધારે પોલીસને સફળતા મળી

1800 જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ્યા ત્યારે એક શંકાસ્પદ ID પર ભોગ બનનારની જન્મતારીખના દિવસે 'હેપ્પી બર્થ ડે' વિશ કરતી પોસ્ટમાં એક રિક્ષા દેખાઈ હતી. જેના નંબરના આધારે પોલીસને ક્લૂ મળ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Aug 2026 03:32 PM (IST)Updated: Tue, 11 Aug 2026 03:32 PM (IST)
amreli-police-solved-12-years-old-pocso-and-minor-kidnap-case-using-social-media
HIGHLIGHTS
  • વસ્તી ગણતરી માટેના અધિકારીઓ બનીને પોલીસે પહોંચી, ત્યારે પીડિતા 4 બાળકોની માતા બની ચૂકી હતી

Amreli: વર્ષ 2014માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 13 વર્ષની સગીરાના અપહરણ અને POCSO એક્ટ હેઠળના ગંભીર ગુનાનો અમરેલી પોલીસે આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની મદદથી 12 વર્ષ બાદ સફળતાપૂર્વક ઉકેલ લાવી દીધો છે.

અગાઉ 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો બદલાવા છતાં જે કેસ વણઉકેલાયેલો રહ્યો હતો, તેને 'એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ'એ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે.

તાજેતરમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ બાદ ‘એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ’ દ્વારા આ જૂના કેસની ફાઈલો ફરીથી ખોલવામાં આવી. PI વી. પી. ગોલ અને તેમની ટીમે દસ્તાવેજો અને ટેકનિકલ સોર્સના આધારે ઝીણવટભરી તપાસનો આરંભ કર્યો.

'હેપ્પી બર્થ ડે' વિશ કરતી સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પગેરું મળ્યું

પોલીસ પાસે માત્ર ગુમ થનાર બાળકીનો જૂનો ફોટો, જન્મ તારીખ અને પરિવારની પ્રાથમિક વિગતો જ હતી. આ માહિતીના આધારે મહિલા પોલીસ કર્મચારીઓની એક ખાસ ટીમ બનાવીને સોશિયલ મીડિયા પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી.

સગીરાની જન્મ તારીખના આધારે ટીમે આશરે 1800 ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી તપાસ્યા હજારો એકાઉન્ટ્સની તપાસ દરમિયાન એક શંકાસ્પદ આઈડી પર ભોગ બનનારની જન્મ તારીખના દિવસે જ 'હેપી બર્થડે' વિશ કરતી એક પોસ્ટ પોલીસના ધ્યાનમાં આવી.

આ શંકાસ્પદ પ્રોફાઈલના એક ફોટાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા બેકગ્રાઉન્ડમાં એક રિક્ષા દેખાઈ હતી. આ ફોટામાં દેખાતી રિક્ષાના નંબરના આધારે પોલીસે RTOમાંથી તેના માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો. આ નંબરની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ જ નંબર પરથી 'ગુજરાત ગ્રામીણ બેંક'માં એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું.

વસ્તી ગણતરી માટે આવ્યા હોવાનું કહીને પોલીસની ટીમ મોરબીના ભલગામડામાં પહોંચી

સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે ભોગ બનનાર યુવતીનો ગુમ થયા સમયનો જ જૂનો ફોટો આપવામાં આવ્યો હતો. આ ફોટો મેચ થતાં જ પોલીસની શંકા ખાતરીમાં પરિણમી હતી.

જે બાદ બેંક પાસેથી સરનામાની વિગત મેળવ્યા બાદ પોલીસની ટીમ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે પહોંચી. કોઈને શંકા ન જાય તે માટે વસ્તી ગણતરી માટે આવ્યા છીએ, તેવું કહી ઘરે ગયા અને પૂછપરછ કરી હતી.

જ્યાં તપાસ દરમિયાન યુવતીએ ખોટું નામ જણાવ્યું હતું. પોલીસે માતા-પિતાની વિગતો જણાવવાનું કહેતા તમામ સત્ય સામે આવ્યું. જે બાદ પોલીસે આરોપીને વસ્તી ગણતરીના નામે ઘરે બોલાવી ધરપકડ કરી હતી. આ યુવતીને 4 બાળકો છે. માતા સાથે વિવાદ થયા બાદ ઘર છોડ્યું હતું. આમ આખરે 12 વર્ષ જૂના આ અતિ જટિલ કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી.