Amreli News: દિવાળીની રાત્રે સાવરકુંડલામાં રમાય છે અનોખું ‘ઈંગોરિયા યુદ્ધ’, વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત

અમરેલીના સાવરકુંડલામાં દિવાળી ની રાત્રે એક અનોખો 'ઇંગોરિયા યુદ્ધ' ખેલવામાં આવે છે, જે વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત્ત છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 12:36 PM (IST)Updated: Thu, 29 Oct 2026 12:36 PM (IST)
amreli-news-savarkundlas-traditional-ingoriya-war-lights-up-diwali-night

Amreli News: દિવાળીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે લોકો ફટાકડા ફોડીને અને દીવાઓ પ્રકટાવીને આ પર્વની ઉજવણી કરતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની ઉજવણી ઘણી રોમાંચક અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ રમવામાં આવે છે. આ અનોખું દ્રશ્ય જોતાં જ જોનારાં લોકોમાં રોમાંચનું લખલખું ફરી વળે છે. રાત્રે બે જૂથો એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકે છે.

80 વર્ષ જૂની પરંપરા અકબંધ

સાવરકુંડલામાં રમાતી આ અનોખી રમતને નજરે નિહાળવા માટે ગુજરાતથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. છેલ્લા 80 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે અને સાવરકુંડલાની ઓળખ બની ગઈ છે. સામાન્ય રીતે કોઈ પણ યુદ્ધમાં ગુસ્સો અને આક્રમકતા હોય છે. પરંતુ સાવરકુંડલામાં રમાતી આ અનોખી રમતમા લોકો એકબીજા પર હાસ્ય અને ભાઈચારાની ભાવનાથી સળગતાં ઈંગોરિયા ફેંકે છે.

ઈંગોરિયા યુદ્ધ રમવા લોકો રોમાંચિત

સ્થાનિક રહીશો મુજબ, આ રમત દિવાળીની રાત્રે આશરે 10 વાગ્યે શરુ થઈ જાય છે. જે વહેલી સવાર સુધી ચાલે છે. લોકો બે જૂથોમાં વહેંચાઈ જઈને એકબીજા પર સળગતાં ઈંગોરિયા ફેંકીને આનંદ માણે છે. જોકે, આ રમતમાં સલામતી અને સાવચેતીનું પાલન કરવું અત્યંત જરુરી છે. પરંપરાગત રીતે આ રમતમાં ઈંગોરિયા નામના વૃક્ષ પર થતાં ચીકુ આકારના ફળનો ઉપયોગ થતો.

લોકોએ શોધ્યો અન્ય વિકલ્પ

આ ફળને અંદરથી સાફ કરીને દારુગોળો ભરીને સળગાવવામાં આવતો. જોકે, હાલના તબક્કે ઈંગોરિયાના વૃક્ષોમાં ઘટાડો થયો છે. જેથી ફળ મળવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે .જોકે, ઈંગોરિયાની અછત થતાં લોકોએ તેનો વિકલ્પ શોધ્યો છે. દોરી વીંટાળવામાં વપરાતા કોકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આ કામગીરી ખૂબ જ મહેનત માંગી લે તેવી છે. 3 થી 4 મહિનાના અગાઉથી જ ઈંગોરિયા યુદ્ધની તૈયારીઓ શરુ થઈ જાય છે.