Ahmedabad: આગામી 25 જુલાઈ શુક્રવારના રોજથી ગુજરાતમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે AMTS દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની ધાર્મિક બસ પ્રવાસ યોજના અંતર્ગત શ્રદ્ધાળુઓ લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર બસ ટર્મિનસ ઉપરથી બુકિંગ કરાવી શકશે. આ માટે અમદાવાદના કોઈ પણ ખૂણે રહેતો નાગરિક શ્રાવણ મહિનામાં મંદિરોના દર્શન માટે બસ બુકિંગ કરાવી શકશે.
એક બસમાં વધુમાં વધુ 40 લોકોને 9 કલાક માટે બસ પુરી પાડવામાં આવશે. જેમાં અમદાવાદ કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકો માટે રૂ. 3000 તેમજ AUDAની હદમાં રહેતા નાગરિકો માટે 5 હજાર રૂપિયાનું ભાડુ રહેશે. આ ભાડાની રકમ એડવાન્સ જમા કરાવવાની રહેશે. જે બાદ તારીખ મુજબ નક્કી કરેલા સ્થળ પર સવારે સવા 8 કલાકે બસ મોકલવામાં આવશે. જે નક્કી કરવામાં આવેલા રૂટ પર મંદિરોના દર્શન કરાવીને સાંજે પોણા 5 કલાકે પરત ફરશે.
ક્યા-ક્યા મંદિરોના દર્શન કરાવશે? (AMTS Dharmik Bus Services)
ધાર્મિક પ્રવાસ બસ યોજના અંતર્ગત AMTSની બસ પાલડી જલારામ મંદિર, હરેકૃષ્ણા મંદિર ભાડજ, વૈષ્ણોદેવી મંદિર, કોટેશ્વર મંદિર (મોટેરા), વિશ્વ ઉમિયાધામ (જાસપુર), કેમ્પ હનુમાન મંદિર, સિદ્ધિ વિનાયક મંદિર (મહેમદાબાદ), રામજી મંદિર (વસ્ત્રાલ), લાંભા મંદિર, ઈસ્કોન મંદિર, સોલા ભાગવત વિદ્યાપીઠ, દૂધેશ્વર મહાકાળી મંદિર, ભીડભંજન હનુમાન (બાપુનગર), જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર (નારણઘાટ), તિરુપતિ બાલાજી, ભદ્રકાળી મંદિર, અક્ષર પુરુષોત્તમ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરાવશે.
