અમદાવાદીઓ માટે ખુશખબરઃ મેટ્રો કનેક્ટિવિટી માટે AMTSની ફીડર બસ શરૂ, ભાડું માત્ર 5 રૂપિયા

મેયરના હસ્તે AMTSના નવા ફીડર રૂટ 8 અને 9નું લોકાર્પણ. એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી 9.95 કિલોમીટરના સર્ક્યુલર- એન્ટી સર્ક્યુલર રૂટ પર ફીડર બસ સેવા શરૂ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 15 Aug 2026 07:10 PM (IST)Updated: Sat, 15 Aug 2026 07:10 PM (IST)
ahmedabad-news-amts-feeder-bus-route-boost-metro-connectivity
HIGHLIGHTS
  • એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન સુધી પહોંચવું સરળ અને સસ્તુ બન્યું

AMTS Feeder Bus Route: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ મેટ્રો મુસાફરોને સરળ અને સુગમ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી નવા ફીડર બસ રૂટ-8 (સર્ક્યુલર) અને ફીડર રૂટ-9 (એન્ટી સર્ક્યુલર) શરૂ કરવામાં આવ્યા છે.

નવા ફીડર રૂટનું લોકાર્પણ આજે તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ સવારે મહારાણા પ્રતાપ ચોક, ભાલકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ખોખરા, અમદાવાદ ખાતે મેયર હિતેશભાઈ બારોટના હસ્તે કરવામાં આવ્યું હતું.

નવા ફીડર રૂટ દ્વારા એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન (ન્યૂ કોટન મિલ)થી એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન સુધી સર્ક્યુલર તથા એન્ટી-સર્ક્યુલર બસ સેવા ઉપલબ્ધ બનશે. આ સેવા મેટ્રો સ્ટેશન સાથે આસપાસના રહેણાંક, વેપારી અને જાહેર ઉપયોગના મહત્વના વિસ્તારોને જોડશે.

નવા ફીડર રૂટમાં ભાલકિયા મિલ, અનાજ બજાર, મદ્રાસી મંદિર, એલ.જી. હોસ્પિટલ, કૃષ્ણબાગ, મણિનગર ટર્મિનસ, દક્ષિણી સોસાયટી, આશાપુરી સોસાયટી (આવકાર હોલ), ગુજરાત હાઉસિંગ બોર્ડ (હરિપુરા), હાટકેશ્વર સર્કલ અને અમરાઈવાડી સહિતના મહત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા ફીડર રૂટની વિગતો મુજબ, ફીડર-8 (સર્ક્યુલર) અને ફીડર-9 (એન્ટી સર્ક્યુલર) રૂટની બસ સેવા એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન (ન્યૂ કોટન મિલ)થી શરૂ થઈ ફરી એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન સુધી પહોંચશે. આ રૂટની કુલ લંબાઈ 9.95 કિલોમીટર છે.

મુસાફરોની સુવિધા માટે કુલ 2 બસ, જેમાં 1 સર્ક્યુલર અને 1 એન્ટી સર્ક્યુલર બસનો સમાવેશ થાય છે અને બંને રૂટ પર મળીને દૈનિક 32 ટ્રિપ, એટલે કે 16 સર્ક્યુલર અને 16 એન્ટી સર્ક્યુલર ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે. બસ સેવા દર 40થી 45 મિનિટની ફ્રિક્વન્સી સાથે ઉપલબ્ધ રહેશે. આ સેવા માટે SMC પ્રકારની બસો કાર્યરત રહેશે, જ્યારે બસોનું પાર્કિંગ ડેપો જમાલપુર રહેશે.

નવા ફીડર બસ રૂટમાં મુસાફરોને પોષાય તેવા દરે સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુખ્ત વયના મુસાફર માટે રૂ. 5 અને બાળક માટે રૂ. 3નું વિશેષ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

આ નવી ફીડર બસ સેવા થકી એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશનની આસપાસના વિસ્તારોના નાગરિકોને મેટ્રો સેવા સાથે વધુ સરળ કનેક્ટિવિટી મળશે. મેટ્રો અને AMTS વચ્ચેનું આ જોડાણ જાહેર પરિવહનના વધુ સારા સંકલન તરફનું મહત્વપૂર્ણ પગલું બન્યું છે.

AMTS દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ મેટ્રો તથા ફીડર બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરી સુગમ, સસ્તી અને પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપે.