Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, કાલે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 'સ્વદેશોત્સવ 2025'નું ઉદ્ઘાટન કરશે

અમિત શાહ પોતાના લોકસભા મત વિસ્તાર ગાંધીનગર ઉપરાંત અમદાવાદ પૂર્વ-પશ્ચિમમાં અડધો ડઝનથી વધુ કાર્યક્રમોમાં 2400 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 04 Dec 2025 10:20 PM (IST)Updated: Thu, 04 Dec 2025 10:20 PM (IST)
ahmedabad-news-amit-shah-3-days-gujarat-visits-inaugurate-swadeshotsav-2025-on-gmdc-ground
HIGHLIGHTS
  • સ્વદેશોત્સવ 2025 9 ડિસેમ્બર સુધી ચાલશે
  • રિ-ડેવલોપ થયેલ વસ્ત્રાપુર લેક ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે

Ahmedabad: ​ભારતને વૈશ્વિક સ્તરે 'આત્મનિર્ભર' બનાવવાની સંકલ્પનાને મૂર્તિમંત કરતો ભવ્ય મહોત્સવ, 'સ્વદેશોત્સવ 2025'નું ઉદ્ઘાટન આજે ગુજરાત યુનિવર્સિટી નજીકના GMDC ગ્રાઉન્ડ ખાતે થવા જઈ રહ્યું છે.આ પાંચ દિવસીય રાષ્ટ્રવ્યાપી એક્સ્પોનું ભવ્ય ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના શુભ હસ્તે કરવામાં આવશે.

​આ મહોત્સવ 5 ડિસેમ્બર, 2025 થી 9 ડિસેમ્બર 2025 સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ દેશમાં ઉત્પાદિત સ્વદેશી ઉત્પાદનોનું વ્યાપક પ્રોત્સાહન કરવું અને સ્થાનિક MSME તથા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે એક વિશાળ મંચ પૂરો પાડવાનો છે.

​સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત આ એક્સ્પોમાં 'વોકલ ફોર લોકલ'ના મંત્રને વાસ્તવિકતામાં બદલવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ગતિ આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ મહોત્સવ ગુજરાતના યુવાનોને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રેરિત કરવાની અને દેશની આર્થિક પ્રગતિમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપશે.

સ્વદેશોત્સવ 2025 એ માત્ર એક ટ્રેડ ફેર નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને સ્વાવલંબનના વિચારનો પ્રચાર કરતો એક મંચ પણ છે. જેનો મુખ્ય ધ્યેય દેશના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSME) તેમજ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને વૈશ્વિક બજારમાં સ્થાન અપાવવાનું છે. ​આ આયોજન સ્વદેશી વસ્તુના ઉપયોગને વધુ મજબૂત બનાવશે અને ગુજરાતના ઉદ્યોગ જગત માટે નવી દિશાઓ ખોલશે.

ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના લોકસભા મત વિસ્તાર ગાંધીનગર તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં લગભગ 2400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

આવતીકાલે અમિત શાહના અન્ય પ્રોગ્રામોમાં મહાત્મા મંદિર ખાતે તેઓ અર્થ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય સેક્ટર 22માં નવનિર્મિત ગાર્ડન અને યોગ સેન્ટરનું લોકાર્પણ પણ કરશે. તેમજ ખ-6 નજીક રેલવે ઓવર બ્રિજ અન બ્રિજની નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. જે બાદ મોટી આદરજ ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તૈયાર થયેલી સ્કૂલ અને આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું લોકાર્પણ કરશે.

આ સાથે જ આદરજ, જલુંદ અને સોનીપુર એ ત્રણ ગામોમાં પાઈપલાઈન થકી ગેસ પહોંચાડવાની યોજનાનું લોકાર્પણ પણ કરશે. જ્યારે 7મી ડિસેમ્બરે અમિત શાહ અમદાવાદમાં રિ-ડેવલોપ થયેલા વસ્ત્રાપુર લેક ગાર્ડનને ખુલ્લો મૂકવાના છે.