Ahmedabad: અમદાવાદ શહેરમાં આવેલા 52 વર્ષ જૂના સુભાષબ્રિજની વચ્ચેનો ભાગ આજે સાંજના સમયે બેસી ગયો હતો. જેના કારણે સુરક્ષાના ભાગરૂપે આ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. અચાનક બ્રિજ બંધ કરી દેવાતા બ્રિજના બન્ને છેડે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
હકીકતમાં સુભાષબ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો હોવાનું ધ્યાને આવતા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં તિરાડ જોવા મળી હતી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજને રિપેરિંગ અને મેઈન્ટેન્સનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતુ. આથી આગામી 5 દિવસ સુધી સુભાષબ્રિજ પર વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. જો કે વાહન ચાલકો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે.
ક્યા વૈકલ્પિક રૂટ રહેશે?
ચાંદખેડા કે સાબરમતી તરફથી આવતા વાહનો જેમને દિલ્હી દરવાજા, શાહીબાગ કે સિવિલ તરફ જવું છે, તે ચિમન પટેલ બ્રિજ ઉતરી પ્રબોધ રાવળ સર્કલ થઈ, રાણીપ ડી-માર્ટ થઈને નવા બનેલા રોડ પરથી વાડજ સર્કલ અને ત્યાંથી દધિચી બ્રિજ ઉપર થઈને જઈ શકશે. જ્યારે સિવિલ જવા માંગતા વાહન ચાલકો ભાટ-કોટેશ્વર રોડ થઈ, ઈન્દિરા બજ થઈ એરપોર્ટ રોડ થઈને સિવિલ હોસ્પિટલ જઈ શકશે.
આવી જ રીતે શાહીબાગ તરફથી આવતા વાહન ચાલકો જેમને સુભાષબ્રિજ ઉપર થઈને રાણીપ કે સાબરમતી તરફ જવું હોય, તો તેઓ શાહીબાગ અંડરબ્રિજ અથવા શાહીબાગ રેલવે બ્રિજ ઉપરથી નમસ્તે સર્કલ, કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઈ, મેલડી માતા સર્કલ થઈ, દધિચી બ્રિજ થઈ, વાડજ સર્કલ થઈને રાણીપ ડી-માર્ટ તરફ અવરજવર કરી શકશે.
પીક અવર્સમાં જ અચાનક બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે સાંજે 6 વાગ્યાની આસપાસ પીક અવર્સ દરમિયાન જ અચાનક બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પરિણામે સુભાષબ્રિજના બન્ને છેડે એટલે કે નારણઘાટ તેમજ RTO સર્કલ પાસે ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા.
જણાવી દઈએ કે, અગાઉ 2019માં પણ સુભાષબ્રિજને 20 દિવસ માટે બંધ કરીને ગ્રાઉટિંગ અને બેરિંગ્સના મેઈન્ટેનેન્સની કામગીરી કરવામાં આવી હતી. જો કે તે પછી બ્રિજમાં કોઈ મોટું કામ નથી કરવામાં આવ્યું.
