Ahmedabad: AMCની ફૂડ સેફ્ટી માટે હાઈટેક પહેલ, શહેરની પાણીપુરીની લારીઓ પર ફિડબેક માટે QR કોડ લગાવવામાં આવશે

ગ્રાહકો લારીઓ પર લાગેલા વિશેષ QR કોડ સ્કેન કરીને ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે અભિપ્રાય આપી શકશે, જે સીધો જ AMCના આરોગ્ય વિભાગ સુધી પહોંચશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 05:38 PM (IST)Updated: Thu, 30 Apr 2026 05:38 PM (IST)
ahmedabad-news-amc-launches-qr-code-system-for-street-food-vendors-to-ensure-hygiene
HIGHLIGHTS
  • પાયલોટ પ્રોજેક્ટમાં પાણીપુરીની લારીઓ બાદ તબક્કાવાર અન્ય સ્ટ્રીટફૂડની લારીઓને આવરી લેવાશે

Ahmedabad: અમદાવાદીઓ અને સ્ટ્રીટ ફૂડ વચ્ચે અતૂટ નાતો છે, પરંતુ અવારનવાર આ સ્વાદ સ્વાસ્થ્ય પર ભારે પડતો હોય છે. બજારમાં અસ્વચ્છ સ્થિતિમાં બનતી વાનગીઓને કારણે ફૂડ પોઈઝનિંગ અને ટાઈફોઈડ જેવા રોગોનું જોખમ સતત તોળાતું રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે.

AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની સ્ટ્રીટ ફૂડ લારીઓ પર વિશેષ QR કોડ લગાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી ગ્રાહકો ફૂડની ગુણવત્તા અંગે સીધો ફિડબેક આપી શકશે.

પાયલોટ પ્રોજેક્ટ શહેરની પાણીપુરીની લારીઓથી લાગુ કરાશે

એક અંદાજ પ્રમાણે, અમદાવાદમાં પાણીપુરીની 1500થી વધુ લારીઓ ફરી રહી છે. અગાઉના ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ પાણીપુરીના સેમ્પલ ટેસ્ટિંગમાં નાપાસ થયા હતા. આથી AMC દ્વારા પાયલોટ પ્રોજેક્ટ માટે સૌ પ્રથમ પાણીપુરીની લારીઓ પર QR કોડ લગાવવામાં આવશે. જે બાદ તબક્કાવાર અન્ય સ્ટ્રીટફૂડની લારીઓને પણ આ સિસ્ટમ અંતર્ગત આવરી લેવામાં આવશે.

નવી વ્યવસ્થામાં પાણીપુરીની રજીસ્ટર્ડ લારીઓ પર એક ખાસ પ્રકારનો QR કોડ દર્શાવવામાં આવશે. ગ્રાહકો આ QR કોડ સ્કેન કરીને ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે અભિપ્રાય આપી શકશે. આ ફિડબેકનો ડેટા ડાયરેક્ટ AMCના આરોગ્ય વિભાગ સુધી પહોંચશે. જેના આધારે જે-તે લારી ધારકને જરૂરી સૂચના આપવામાં આવશે. જો કોઈ ખામી જણાશે તો તેના સામે પગલા લેવામાં આવશે.

આ અંગે AMCના હેલ્થ ઑફિસર ડૉ. તેજસ શાહે જણાવ્યું કે, જે લોકો સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તેઓ જે-તે જગ્યાએ પીરસવામાં આવતું ફૂડ કેવું છે? તેને લઈને ફીડબેક આપી શકે છે. આ માટે અમે સિસ્ટમ ડેવલોપ કરી રહ્યા છીએ.

એક રિસર્ચ મુજબ, દેશમાં 80% સ્ટ્રીટ વેન્ડરો ગ્લોવ્ઝ પહેર્યા વગર કે હાથ ધોયા વગર જ ખોરાક પીરસે છે. ખુલ્લો ખોરાક, દૂષિત પાણી અને ખરાબ તેલનો વપરાશ ગંભીર રોગોને નિમંત્રણ આપે છે. AMCની આ ટેકનોલોજીકલ પહેલથી હવે શહેરના ખાણી-પીણી બજારમાં પારદર્શિતા આવશે અને અમદાવાદીઓ નિશ્ચિંત થઈને સ્વાદ માણી શકશે.