પાણીપૂરી ખાતા પહેલા થઇ જજો સાવધાનઃ અમદાવાદમાં 280 સેમ્પલ ફેલ, ગ્રીન ચટણી માટે નોન પરમિટેડ કલરનો ઉપયોગ

FSSAI દ્વારા અમાન્ય કરાયેલા આવા ફૂડ કલર ધરાવતા ખાદ્યપદાર્થોનું લાંબા સમય સુધી સેવન કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 20 Jan 2026 03:02 PM (IST)Updated: Tue, 20 Jan 2026 03:02 PM (IST)
ahmedabad-amc-raid-280-pani-puri-samples-fail-colour-used-in-green-chutney

Pani Puri Alert Ahmedabad: અમદાવાદમાં પાણીપૂરીના વેચાણમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનો ભંગ થતો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત 1121 પાણીપૂરીની લારીઓ પર તપાસ કરાઈ હતી, જેમાં 280 સ્થળોએથી લેવાયેલા નમૂનામાં નોન-પરમિટેડ ફૂડ કલરનો ઉપયોગ થયો હોવાનું જણાયું છે. આ કલર ગ્રીન ચટણી અને પાણીને વધુ આકર્ષક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે, જે જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઇ શકે

FSSAI દ્વારા અમાન્ય કરાયેલા આવા ફૂડ કલર ધરાવતા ખાદ્યપદાર્થોનું લાંબા સમય સુધી સેવન કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેમાં મુખ્યત્વે અપચો, ઉલટી, ઉબકા અને લૂઝ મોશન જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

1121 લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું

AMCના ફૂડ વિભાગે ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે આ કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં વિવિધ ઝોનમાં પાણીપૂરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા.

ખોખરા, ઈસનપુર, જમાલપુર, વટવા, મણિનગર, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, ઘાટલોડીયા, બાપુનગર, સરસપુર, ગોમતીપુર, સાબરમતી, રાણીપ, ચાંદખેડા, નવાવાડજ, વાસણા, પાલડી, સરખેજ, ખાડિયા, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં કુલ 1121 લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન 2 હજાર કિ.ગ્રા./લિટર કરતાં વધુ અસુરક્ષિત ખાદ્યપદાર્થો અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.

ઝોન-વાઇઝ ફેઈલ થયેલા સેમ્પલની વિગત

ઝોન-વાઇઝ ફેઈલ થયેલા સેમ્પલની વિગત જોઇએ તો જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 54 સેમ્પલ ફેઈલ થયા છે. પૂર્વ ઝોનમાં 52 અને ઉત્તર ઝોનમાં 48 સેમ્પલ નિષ્ફળ ગયા છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 34, મધ્ય ઝોનમાં 33 અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ 33 સેમ્પલ ફેઈલ થયા છે, તો પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા 26 સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ થયા હોવાનું નોંધાયું છે.

આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે

મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના ડો. ભાવિન સોલંકી અને ડો. તેજસ શાહના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપૂરીની લારીઓનું સઘન ચેકિંગ કરાયું હતું. બે સ્થળોએ તો પાણીના નમૂનામાંથી બેક્ટેરિયા પણ મળી આવ્યા હતા. અધિકારીઓએ ખાતરી આપી છે કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.