વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ ગુજરાતની શાળાઓમાં 4 મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર, 8 જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત

ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ કુલ 249 દિવસ અભ્યાસ કર્યો છે. જેમાં પ્રથમ સત્રમાં 105 અને બીજા સત્રમાં 144 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 04:51 PM (IST)Updated: Thu, 30 Apr 2026 08:13 PM (IST)
gujarat-summer-vacation-2026-announced-schools-to-remain-closed-from-may-4-to-june-7
HIGHLIGHTS
  • પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એકસાથે વેકેશનનો શિક્ષણ બોર્ડનો નિર્ણય

Gujarat Summer Vacation 2026 Announced: ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ માટે એક મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આગામી 4 મેથી ઉનાળાના વેકેશનનો પ્રારંભ થશે, જે આગામી 7 જૂન સુધી ચાલશે. આમ વિદ્યાર્થીઓને 35 દિવસનું વેકેશન માણવા મળશે, જે બાદ 8 જૂન સોમવારથી સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થઈ જશે.

આ સંદર્ભે સરકારે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી (DPEO) ને ખાસ સૂચના આપી છે કે, તેઓ સંકલન સાધીને વેકેશનની તારીખો જાહેર કરે, જેથી પ્રાથમિક અને માધ્યમિક એમ બંને પ્રકારની શાળાઓમાં બાળકોના વેકેશનની તારીખો એકસમાન રહે. આ નિયમ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓને લાગુ પડશે.

આ પરિપત્રમાં એક ખાસ બાબતનો પણ ઉલ્લેખ છે. જેમાં નામદાર કોર્ટના આદેશ અનુસાર, D. El. Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કામકાજના દિવસો પૂર્ણ કરવા જરૂરી હોવાથી, સંબંધિત સંસ્થાઓ આ વિદ્યાર્થીઓના વેકેશન અંગે પોતાની રીતે સ્વાયત્ત નિર્ણય લઈ શકશે.

આ જાહેરાત સાથે જ રાજ્યભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વેકેશનનો આનંદ છવાયો છે. 35 દિવસના આ લાંબા વિરામ બાદ, નવા ઉત્સાહ સાથે 8 જૂનથી શૈક્ષણિક કાર્ય પુનઃ ધમધમતું થશે.

પ્રથમ સત્ર 105 અને દ્વિતીય સત્ર 144 દિવસ ચાલ્યું

શિક્ષણ બોર્ડની વિગતો મુજબ, ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓએ કુલ 249 દિવસ અભ્યાસ કર્યો છે. જેમાં પ્રથમ સત્રમાં 105 દિવસ અને દ્વિતીય સત્રમાં 144 કાર્યદિવસોનો સમાવેશ થાય છે.

ઉનાળુ વેકેશનની સમયરેખા જોઈએ તો, 4 મે થી 7 જૂન સુધી સત્તાવાર રજાઓ રહેશે. ગત વર્ષોની સરખામણીએ આ વખતે પણ બોર્ડે 33 દિવસનું સંતુલિત વેકેશન ફાળવ્યું છે, જેથી શૈક્ષણિક વર્ષના નક્કી કરેલા કલાકો પૂર્ણ થઈ શકે.