અંબાલાલ પટેલની આગાહીઃ હવે આકરી ગરમીમાંથી રાહત મળશે, ગુજરાતમાં 6 મેથી પ્રી-મોન્સૂન વરસાદ; આંધી-વંટોળ ફૂંકાશે

આવનારા દિવસોમાં ગરમીનો પારો ધીમે-ધીમે ગગડશે અને રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 04:20 PM (IST)Updated: Thu, 30 Apr 2026 04:20 PM (IST)
ambalal-patel-weather-forecast-gujarat-heatwave-relief-pre-monsoon-rain-may-6
HIGHLIGHTS
  • પશ્ચિમી વિક્ષોપના કારણે ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે
  • વીતેલા 24 કલાકમાં 43 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું

Ambalal Patel Prediction, Gujarat Weather Forecast 30 April 2026: ઉનાળાની શરૂઆતથી જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. એક પછી એક પશ્ચિમી વિક્ષોપના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ નોંધાઈ રહ્યો છે. હાલ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે, પરંતુ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ આગામી દિવસોમાં રાહત મળવાના સંકેત આપ્યા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, એપ્રિલ મહિનાના અંત સાથે જ પશ્ચિમી વિક્ષોપના પ્રભાવથી ગરમીનું જોર ધીમે-ધીમે ઘટવાનું શરૂ થઈ શકે છે. હાલમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે.

મહત્તમ તાપમાન ક્રમશઃ ઘટતા પ્રી-મોન્સુન એક્ટિવિટીની એન્ટ્રી

આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં તાપમાન ક્રમશઃ ઘટશે.

આ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાન ઘટીને આશરે 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે, જેનાથી લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળશે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી મે મહિનાની શરૂઆતમાં જ હવામાનમાં મોટો પલટો આવી શકે છે. જેમાં 6 થી 12 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ 11 થી 20 મે દરમિયાન આંધી અને વંટોળ ફૂંકાશે.

43 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનનો આંકડો ઊંચો રહ્યો હતો. જેમાં રાજકોટ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. વહેલી સવારે તાપમાન આશરે 30 ડિગ્રી આસપાસ હતું, પરંતુ બપોર સુધીમાં ભારે વધારો જોવા મળ્યો હતો.

અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ માં 42.6 ડિગ્રી, વડોદરા માં 40.2 ડિગ્રી, ગાંધીનગર માં 42.2 ડિગ્રી અને સુરત માં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ માટે ગરમીનો પ્રકોપ યથાવત્ છે, પરંતુ આગામી દિવસોમાં હવામાનમાં થનારા ફેરફારોને કારણે લોકોને થોડી રાહત મળવાની આશા છે.