Ahmedabad: આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે, ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં લોકો ગરમાગરમ ઊંધિયા અને જલેબીની જ્યાફત માણશે. આ દિવસે ઠેર-ઠેર ઊંધિયુ અને જલેબીના સ્ટોલ શરૂ થઈ જયા હોય છે અને સવારથી લોકો લાઈનોમાં ઉભા રહી જતા હોય છે. એવામાં ખાદ્ય પદાર્થમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ના થાય, તેની ચકાસણી માટે મનપાની ફૂડ વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ફૂડ વિભાગની અલગ-અલગ પાંચ જેટલી ટીમો આજે વહેલી સવારથી ચેકિંગ માટે નીકળી પડી છે. જે અંતર્ગત ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી છે.
AMCની ફૂડ વિભાગની ટીમે ક્યા-ક્યા તપાસ હાથ ધરી
- નવરંગપુરા સ્થિત સ્ટેડિયમ ચાર રસ્તા નજીક આવેલ દાસ ખમણ હાઉસમાં ચેકિંગ કરીને ઊંધિયુ અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા
- કાંકરિયા સ્થિત આબાદ ડેરી ખાતે લખનઉ જલેબી નામની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું
- સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે ગ્વાલિયા સ્વીટમાં બનેલી જલેબીના સેમ્પલ લીધા
- શ્યામલ ચાર રસ્તા નજીક સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરી ઊંધિયુ, ફાફડા,જલેબી અને તેલના સેમ્પલ લેવામાં આવ્યા
રેપિડ ટેસ્ટ કિટ અને બોડી વૉર્ન કેમેરાનો ઉપયોગ
ફૂડ વિભાગની ટીમ દ્વારા ભેળસેળની ચકાસણી કરવા માટે રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે આજે આખા દિવસ દરમિયાન કરવામાં આવેલા ચેકિંગમાં હજુ સુધી કોઈ ઠેકાણે ભેળસેળ નથી મળી.
આ સિવાય ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હકીતમાં જ્યારે ટીમ ચેકિંગ માટે જતી, ત્યારે દુકાનના માલિકો આક્ષેપો કરતા હોય છે. જેથી કોઈ ખોટા આક્ષપો ના કરે, તે માટે આવા કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
