Gandhinagar: મગફળીના નાણાં મુદ્દે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો કૃષિ મંત્રીને પત્ર, 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું

અત્યારે ગુજરાતભરના એક લાખ કરતા વધારે ખેડૂતો છે, જેને મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા એને એક મહિના થી દોઢ મહિનો થઈ ગયો તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 13 Jan 2026 04:42 PM (IST)Updated: Tue, 13 Jan 2026 04:42 PM (IST)
gandhinagar-news-kisan-congress-chairman-pal-ambalias-letter-to-the-jitu-vaghani
HIGHLIGHTS
  • ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ઘટાડીને 125 મણ કરી દીધી છે
  • પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને 7 દિવસમાં રૂપિયા મળી જવાનો તેમને વાયદો યાદ કરાવ્યો

Gandhinagar: કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતોએ ટેકાના ભાવે વેચેલી મગફળીના રૂપિયા હજુ સુધી ના મળ્યા હોવાની ફરિયાદ કરી છે. આ સાથે જ તેમણે કૃષિ મંત્રીને પોતાનો 7 દિવસમાં રૂપિયા મળવાનો વાયદો યાદ કરાવીને તાત્કાલિક રૂપિયા ચૂકવવા રજૂઆત કરી છે.

પાલભાઈ આંબલિયાએ પોતાના પત્રમાં જણાવ્યું કે, ગુજરાતમાં ગત વર્ષે ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મળ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી. જેને રાજ્ય સરકારે ઘટાડીને 125 મણ કરી દીધી છે.

જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી, ત્યારે કૃષિ જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તેના સાતમા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. અત્યારે ગુજરાતભરના એક લાખ કરતા વધારે ખેડૂતો છે, જેને મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા એને એક મહિના થી દોઢ મહિનો થઈ ગયો તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસે અને ગુજરાત કિસાન કોંગ્રેસ પાસે આવેલી ફરિયાદના આધારે તપાસ કરતા ખબર પડી કે, જ્યારે ખેડૂતો ટેકાના કેન્દ્ર પર મગફળી આપે ત્યારબાદ આ મગફળી ગોડાઉનમાં જાય છે અને ગોડાઉન વાળા એક રિસીપ્ટ આપે છે. જેને WHR (વ્હેર હાઉસ રિસીપ્ટ) કહે છે.

આ રિસિપ્ટ સરકાર/નાફેડના પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે આ અપલોડ કરવાનું કામ પહેલા જે-તે ટેકાના કેન્દ્ર સંચાલકો કરતા હતા. હવે એને અપલોડ કરવાનું કામ વ્હેર હાઉસવાળાઓએ કરવાનું છે એવું નક્કી થયું. હવે એ ફરી પાછા ટેકાના કેન્દ્ર સંચાલકો કરશે અને એમાં પણ જાણવા મળ્યું કે સરકાર/નાફેડનું પોર્ટલ કામ કરતું નથી એટલે મોડું થાય છે.

ખેડૂતોની મગફળી ટેકાના કેન્દ્ર પર સરકારે નક્કી કરેલ અલગ અલગ 8 ગુણવત્તાના ધોરણોમાંથી પસાર થઈ ગઈ તમે મગફળી લઈ લીધી એનું બિલ આપી દીધું પછી 7 દિવસમાં રૂપિયા આપવાની જવાબદારી સરકારની છે. સરકારમાં કોણ પહોંચ અપલોડ કરશે, સરકારનું પોર્ટલ કામ કરે છે કે નહીં એનાથી ખેડૂતોને મતલબ જ નથી.

જ્યારે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, 7 દિવસમાં ખેડૂતોને રૂપિયા મળવા જોઈએ, તો કેમ દોઢ મહિના સુધી રૂપિયા નથી મળ્યા. અમારી એક જ માંગ છે કે, જેટલા ખેડૂતોના રૂપિયા બાકી છે, તેમને તાત્કાલિક 7 દિવસમાં નાણા ચૂકવાઈ જાય. જો આમ નહીં થાય, તો ખેડૂતોને સાથે રાખીને લડત ચલાવવાની ફરજ પડશે.