Ahmedabad: ઓઢવમાં રબારી વસાહત પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, 500થી વધુ માલધારીઓ બેઘર બન્યા

AMCની દબાણ શાખાની ટીમે 40 રહેણાંક મકાન તેમજ 20 કોમર્શિયલ બાંધકામો પર JCB ફેરવી 1833 ચો.મી. જમીન ખુલ્લી કરાવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 27 Jan 2025 07:31 PM (IST)Updated: Mon, 27 Jan 2025 07:34 PM (IST)
ahmedabad-news-amc-demolition-drive-in-odhav-area
HIGHLIGHTS
  • રહેવાનું તો ઠીક હવે અમારે રોટલાના પણ ફાંફા: મહિલાઓની વ્યથા

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા બેઘર બનેલી માલધારી સમાજની મહિલાઓ રોષે ભરાઈ છે. મહિલાઓનો આરોપ છે કે, કોઈ નોટિસ વિના અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

હકીકતમાં AMCના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ઉભા થઈ ગયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત 20 જાન્યુઆરીના રોજ ઓઢવની રબારી વરસાહત સહિત અનેક ઠેકાણે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1833 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

પોતાના મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળતા રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએ. અમે ગેરકાયદે વસવાટ નથી કરતા. અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહેવાનો ટેક્સ ભરીએ છીએ અને લાઈટ બિલ ભરીઈ છીએ.

વહીવટી તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. માત્ર રાતે કહી ગયા અને સવારે તો JCB લઈને આવી ગયા, અમે રાતો-રાત ક્યાં જઈએ? સરકારે પણ સમજવાની જરૂર છે કે, ગરીબ માણસ ક્યાં જાય? અમે રોડ પર આવી ગયા છીએ. અમે જ્યાં-ત્યાં રોડ પર સામાન રાખીને રહીએ છીએ. અમારા માટે રહેવાનું તો ઠીક હવે તો રોટલાના પણ ફાંફા પડી ગયા છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ફક્ત એક દિવસની નોટિસમાં રાતોરાત એક જ દિવસમાં મકાનો તોડી પાડવામાં આવે છે. કેટલાય ઉદ્યોગપતિઓએ જમીનો પચાવી પાડી છે અને કરોડો ચોરસ મીટર ગોચર જમીન ખાઈ ગયા છે તેમના પર બુલડોઝર નથી ચાલતા.આવા ગેરકાયદેસર રીતે સરકારે અને મ્યુનિસિપાલ્ટીએ કામ કર્યું છે, તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.