Ahmedabad: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદેસર ઠેરવવામાં આવી હતી. જે બાદ આજે સોસાયટીમાં આવેલા 2 કરોડ રૂપિયાના 25 જેટલા બંગલાઓ પર મ્યુનિસિપલ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
હકકીતમાં લગભગ 35 વર્ષ જૂની સ્નેહાંજલિ સોસાયટીને લઈને બિલ્ડર અને અમદાવાદ મનપા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જેનો ભોગ આ સોસાયટીમાં રહેતા રહીશોને બનવાનો વારો આવ્યો છે. સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીના રહીશોને પોતાના મકાન ખાલી કરવા અને તોડવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
જો કે સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતાં તેમને 22 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જે બાદ આજે સવારથી મનપાનું એસ્ટેટ વિભાગ હીટાચી મશીન, JCB અને મજૂરોના કાફલા સાથે સ્નેહાંજલિ સોસાયટીમાં આવી પહોંચ્યો હતો અને મકાનોને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી. મકાનોના ડિમોલિશન દરમિયાન ઉડતી ધૂળના કારણે પ્રદૂષણ ના ફેલાય તે માટે આસપાસ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સ્નેહાંજલિ સોસાયટી જે જગ્યાએ આવેલી છે, તે પહેલા ઔડાના હસ્તક હતી, પરંતુ હવે તે અમદાવાદ મનપાના હસ્તક આવી ગઈ છે. આ સોસાયટીના બિલ્ડરે જે પ્લોટ પર બાંધકામની મંજૂરી લીધી હતી, તેની જગ્યાએ બીજા પ્લોટ પર બંગલા બનાવી લીધા હતા. જેના કારણે રહીશોને પોતાના માથેથી છત ગુમાવવાનો વારો આવ્યો છે.
