Ahmedabad: નારણપુરામાં પુરપાટ જતી અદાણી CNG ગેસકીટ ગાડીએ મોપેડને ટક્કર મારી, નીચે પટકાયેલા યુવકનું કમકમાટીભર્યું મોત

થલતેજમાં રહેતો વેદાંત પોતાના પિતરાઈ ભાઈ સાથે કેમ્પ હનુમાનના દર્શન કરીને રાતે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે કાળનો ભેટો થઈ ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 06:23 PM (IST)Updated: Sun, 14 Dec 2025 06:23 PM (IST)
ahmedabad-news-adani-gas-kit-vehicle-hits-moped-at-naranpura-one-dead
HIGHLIGHTS
  • લાડલી શૉ રૂમની સામે અકસ્માતની ઘટના CCTVમાં કેદ
  • અકસ્માત સર્જ્યા બાદ ગેસકીટ ગાડીનો ડ્રાઈવર ભાગી છૂટ્યો

Ahmedabad: શહેરના નારણપુરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે રાતના સમયે અદાણી CNG ગેસકીટ લઈને પુરપાટ ગતિએ જતી ગાડીએ મોપેડને ટક્કર મારતા બે યુવકો નીચે પટકાયા હતા. જે પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થલતેજ વિસ્તારની નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો વેદાંત મોદી તેના પિતરાઈ વ્રજ સાથે ગઈકાલે રાતના સમયે મોપેડ પર કેમ્પ હનુમાન ખાતે દર્શન કરવા ગયો હતો. જ્યાંથી 10 વાગ્યાની આસપાસ બન્નેભાઈઓ ઘરે પરત ફરી રહ્યા હતા.

તેઓ નારણપુરા સ્થિત લાડલીના શૉ રૂમ નજીક પહોંચ્યા, ત્યારે અદાણ કંપનીની CNG ગેસકીટ લઈ જતી ગાડીના ચાલુકે પુરપાટ પોતાનું વાહન હંકારીને મોપેડને ટક્કર મારી હતી. જેથી એક્ટિવા પર સવાર બન્ને યુવક નીચે પટકાયા હતા.

આ અકસ્માતમાં વેદાંતને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે તેના ભાઈ વ્રજને હાથ પર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતમાં એકનો એક પુત્ર ગુમાવનાર મોદી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ગેસકીટ લઈ જતો ડ્રાઈવર પોતાનું વાહન આગળ મૂકીને ભાગી છૂટ્યો હતો. હાલ તો આ મામલે મૃતક વેદાંતના પિતાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.