Surendranagar: લખતર ગ્રામ્યની મહિલા સાથે દુષ્કર્મ, દસાડાના શખ્સે લોન પુરી કરાવી દેવાનું કહી કારમાં બળજબરીથી સબંધ બાંધ્યા

ભોગ બનનાર પોતાના દિયરને મળવા જતી હતી, ત્યારે હકુભાએ મૂકી જવાનું કહેતા તેની કારમાં બેસી ગઈ. આગળ જઈને કાર ઉભી રાખી અઘટિત માંગણી કરી, પરંતુ મહિલા તાબે ના થતાં ઝાપટ મારી ઈજ્જત લૂંટી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Dec 2025 05:59 PM (IST)Updated: Sun, 14 Dec 2025 05:59 PM (IST)
surendranagar-news-rape-in-car-at-lakhtar-on-the-name-of-loan-pass
HIGHLIGHTS
  • જમીન પર રૂ. 6 લાખની લોન લીધી હતી, જેના હપ્તા ચડી ગયા હતા
  • પીડિતા સસરા સાથે બેંકમાં ગઈ, ત્યારે હવસખોર હકુભા સાથે પરિચય થયો

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના લખપત તાલુકાના એક ગામની ગંગાસ્વરૂપા મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનારે લખતર પોલીસ મથકમાં દસાડાના ગેડીયા ગામના સમશેર ઉર્ફે હકુભા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લખતર તાલુકાના એક ગામમાં 40 વર્ષીય ગંગાસ્વરૂપા પોતાના સાસુ-સસરા અને સંતાનો સાથે રહે છે. આજથી 10 વર્ષ અગાઉ તેમને પૈસાની જરૂર પડતા સસરાના નામે રહેલી જમીન પર રૂ. 6 લાખની લોન લીધી હતી. જેના હપ્તા નિયમિત ના ભરી શકતાં હપ્તા ચડી ગયા હતા.

આજથી ત્રણેક મહિના પૂર્વે ફરિયાદી મહિલા પોતાના સસરા સાથે સુરેન્દ્રનગર સ્થિત બેંકની બ્રાન્ચમાં ગયા હતા. જ્યાં તેમની ઓળખાળ દસાડા તાલુકાના સમશેર ઉર્ફે હકુભા સાથે થઈ હતી. આ હકુભાએ તેમને લોન પુરી કરાવી દેવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

ગત 10 ડિસેમ્બરના રોજ મહિલા વઢવાણ તાલુકાના એક ગામમાં કામ કરતાં દિયરને મળવા જવા માટે ઉભી હતી, ત્યારે હકુભા કાર લઈને આવ્યો હતો. જેણે મહિલાને મૂકી જવાનું કહેતા તે કારમાં બેસી ગઈ હતી.

હકુભાએ કાર બજરંગપુરા પમ્પિંગ સ્ટેશનથી આગળ જઈને કેનાલ નજીક ઉભી રાખીને મહિલા સાથે અઘટિત માંગણી કરી હતી. જો કે મહિલા તાબે ના થતાં હકુભાએ તેને થપ્પડ મારીને કારમાં જ બળજબરીથી સબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં, જો આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ તો મહિલાની ફરિયાદના આધારે લખતર પોલીસે હકુભા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.